સરીગામમાં બે નવી ઍસટી બસ સેવાઓનો પ્રારંભ
- byDamanganga Times
- 10 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૯ ઃ સરીગામ અને આસપાસના અંતરિયાળગામોના લોકો માટે ખુશીના સમાચાર વચ્ચે ઍસટી વિભાગ દ્વારા બે નવી બસ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્થાનિક આગેવાનોની લેખિત રજૂઆત અને રૂબરૂ મુલાકાત બાદ ભીલાડથી દમણ તથા ભીલાડથી મરોલી રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવી છે. નવી બસ સેવાઓમાં ભીલાડ-સરીગામ ત્રણ રસ્તા-અણગામ-પુનાટ-ઍકલારા થઈ દમણ સુધી ૮ ફેરા તેમજ ભીલાડ-સરીગામ ભંડારવાડ બાયપાસ ચાર રસ્તા-માંડા-સરઈ થઈ મરોલી સુધી ૮ ફેરા શરૂ કરાયા છે. બસ સેવાનો પ્રારંભ સરીગામ ત્રણ રસ્તા અને ભંડારવાડ ચાર રસ્તા ખાતે શ્રીફળ વધેરી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય નૂતનબેન ભંડારી, તાલુકા પંચાયત ઉમરગામના વિપક્ષના નેતા રાકેશ રાય, સરપંચ સહદેવભાઈ વઘાત, ઍસટી વિભાગ વાપીના સિનિયર અધિકારી ધનસુખભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા.
વર્ષોથી બસ સેવાની રાહ જોતા ગ્રામજનો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. નવી બસ સેવાઓથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો, શ્રમિકો, મહિલાઓ અને આદિવાસી વિસ્તારોના લોકોને પરિવહનની સુવિધા સરળ બનશે. બસ સેવા શરૂ થતાં ગ્રામજનોઍ આનંદની લાગણી વ્યક્ત કરી ઍસટી વિભાગ અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
