Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં ૭ વર્ષની બાળકીની જાતીય સતામણી કરનાર પાડોશી ઝડપાયો

વલસાડમાં ૭ વર્ષની બાળકીની જાતીય સતામણી કરનાર પાડોશી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૯ ઃ વલસાડના પારડી સાંઢપોર વિસ્તારમાં આવેલા ઍક ઍપાર્ટમેન્ટમાં ૭ વર્ષની માસૂમ બાળકી સાથે પડોશમાં જ રહેતા ઍક શખ્સે જાતીય સતામણી કરી હોવાની શરમજનક ઘટના સામે આવતા માતાની ફરિયાદ આધારે વલસાડ સીટી પોલીસે નરાધમ  આરોપીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.

 વલસાડ શહેરના પારડી સાંઢપોર વિસ્તારમાં આવેલ ઍક ઍપાર્ટમેન્ટમાં રહેતી ૭ વર્ષની બાળકી ઍપાર્ટમેન્ટના ર્પાકિંગમાં રમી રહી હતી. તે દરમિયાન ફલેટમાં ઉપર આવી ત્યારે પડોશમાં ફલેટ નંબર ૪૦૧ માં રહેતા અજીતભાઈ દત્તુભાઈ ગાયકવાડ નામના શખ્સે બાળકીને પોતાના ઘરે બોલાવી હતી. આ શખ્સે બાળકીને પોતાના મોબાઇલ ફોનમાં અશ્લીલ અને નગ્ન વીડિયો બતાવી બિભત્સ ચેષ્ટાઓ કરી હતી. જ્યારે માસૂમ બાળકી ત્યાંથી ભાગવા ગઈ ત્યારે આરોપીઍ તેનો હાથ પકડી લીધો હતો અને જાતીય સતામણી કરી હતી. બાળકી જેમ-તેમ કરીને ત્યાંથી છૂટીને પોતાના ઘરે પહોંચી હતી અને તેની મોટી બહેન મારફતે માતાને સમગ્ર આપવીતી જણાવી હતી.

બનાવની જાણ થતાં જ માતાઍ પડોશના અન્ય રહીશોને સાથે રાખી આરોપીના ઘરે જઈ પૂછપરછ કરી હતી. આ સમયે આરોપી ગભરાઈ ગયો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો, પરંતુ તેની શંકાસ્પદ હાલત જોઈને પરિવારે તાત્કાલિક ‘૧૧૨’ પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. વલસાડ સીટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.વલસાડ સીટી પોલીસે આ મામલે ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપી અજીતભાઈ દત્તુભાઈ ગાયકવાડ નામના ઈસમની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.