મોગરાવાડીમાં રસ્તાના કામથી લોકો પરેશાન
- byDamanganga Times
- 02 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ શહેરમાં વિકાસના નામે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અબ્રામા નેશનલ હાઈવે ૪૮ પર આવેલી ગીરીરાજ હોટલથી મોગરાવાડી તરફ જતો મુખ્ય માર્ગને અંદાજે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે નવો બનાવવા તેમજ આજુબાજુ ગટર લાઈન નાંખવાનું કામ મંજૂર કરાયું હતું. પરંતુ છેલ્લા ૮-૮ મહિનાથી આ કામ ગોકળગાય ગતિઍ ચાલી રહ્નાં છે. જેના કારણે સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓ હાલ નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્ના છે. હાલમાં ચોમાસાની સીઝન શરૂ થવાના ગણતરીના દિવસો જ બાકી રહ્ના છે. તંત્ર દ્વારા અબ્રામા હાઇવેથી મોગરાવાડી તરફ આવતા રસ્તા પર માત્ર માટી પુરીને તેને ઊંચો કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેના પર પાકો રોડ બનાવવામાં આવ્યો નથી. જો રસ્તાની કામગીરી સમયસર પૂરી નહીં થાય, તો પહેલા જ વરસાદમાં આ આખોય રસ્તો કાદવ-કીચડમાં ફેરવાઈ જશે.
આ રસ્તા પરથી મોટી સંખ્યામાં વાહનચાલકો અને રાહદારીઓ પસાર થાય છે. ચોમાસામાં અહીં મોટા અકસ્માતો સર્જાય તો નવાઈ નહીં બીજી તરફ, વલસાડ નગરપાલિકાની કામગીરી સામે પણ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્ના છે. રોડ માર્જિનમાં આવતા અનેક ગેરકાયદેસર દબાણોને હજુ સુધી હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી. નિયમો હોવા છતાં તંત્ર દ્વારા ટાઉન પ્લાનિંગ ( ટી. પી.)અને ડેવલપમેન્ટ પ્લાન (ડી. પી.) નો કોઈ અમલ કરવામાં આવતો નથી, જેના કારણે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં રસ્તા પહોળા થઈ શકતા નથી અને ટ્રાફિકની સમસ્યા જસની તસ રહે છે. છેલ્લા ૮ મહિનાથી ધૂળની ડમરીઓ અને ખાડાઓ સહન કરીઍ છીઍ. હવે જો વરસાદ આવશે તો આ માટી પાણીમાં ઓગળીને ઍવો કાદવ થશે તો ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જશે. ચોમાસું વિધિવત બેસે તે પહેલાં યુદ્ધના ધોરણે આ રસ્તાનું કામ પૂરું કરવામાં આવે અને નડતરરૂપ દબાણો દૂર કરી ટીપી-ડીપીના નિયમોનું કડક પાલન કરવામાં આવે ઍવી સ્થાનિક જનતા અને વાહનચાલકોની ઍક જ માંગ છે.
