Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં મહિલાની લાશ મળવાના કેસમાં પતિ સહિત બે સામે હત્યાનો ગુનો

વાપીમાં મહિલાની લાશ મળવાના કેસમાં પતિ સહિત બે સામે હત્યાનો ગુનો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૧ ઃ વાપીની દમણ ગંગા નદીમાંથી બિનવારસી મળેલી મહિલાની લાશ અંગે ઓળખ થઈ મરનાર ખુશ્બુની હત્યા કરાયા હોવાની તેના પિતાની કેફિયતથી પોલીસે ખુશ્બુના પતિ ઈરફાન ઈર્શાદ ખાન અને વિરેન્દ્ર કાંતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા માહિતી મુજબ ગત તા.૨૮-૫-૨૦૨૬ના રોજ વાપીના ચંડોર ગામેથી પસાર થતી દમણગંગા નદીમાંથી ઍક અજાણી મહિલાની પાણીમાં તરતી લાશ મળી આવી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલા વાપીના કચીગામ રોડ ઉપર આવેલ મહેલ ઍપાર્ટમેન્ટમાં રહેતા લાડલે અસલમ અન્સારીની પુત્રી અને ઈરફાન ઈર્શાદ ખાનની પત્ની ખુશ્બુ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં તપાસ કરતાં ખુશ્બુ અને ઈરફાન ખાન વચ્ચે પ્રેમલગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં અને અવારનવાર બંને વચ્ચે ઝઘડા પણ થતા હતાં. બંનેને દોઢ વર્ષનો પુત્ર છે. ગત તા.૨૩ મેં ના રોજ ખુશ્બુના પિતા લાડલે અન્સારી નોકરીઍ ગયા હતા તે દરમિયાન બંને વચ્ચે ઘરમાં બોલાચાલી થઈ હતી અને સાંજે તેઓ પરત ઘરે ફર્યા ત્યારે ખુશ્બુ ઘરમાં જોવા ન મળી હતી અને પરિવારજનો અને સગા સંબંધીઅોને ત્યાં ભારે શોધ કરી હતી. છતાં પત્તો લાગ્યો ન હતો અને તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ હતો. જોકે ખુશ્બુ અને તેના પતિ ઈરફાન ઈર્શાદ ખાન વચ્ચે બબાલ થતાં તેને માર મારવામાં આવતા અને રૂમમાં પૂરી દેવાય હતી અને તે દરમિયાન ખુશ્બુઍ તેના ઘરમાં ગળે ફાંસો કરી આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ ઈરફાન ઈર્શાદ ખાન અને વિરેન્દ્ર કાંતા દ્વારા ખુશ્બુની લાશને બેગમાં ભરીને બાઈક ઉપર લઈ જઈ દમણ ગંગા નદીમાં ફેંકી દેવામાં આવી હતી. ઍવો આરોપ મુકાયો છે. પોલીસે ઇરફાન ઈર્શાદ ખાન અને વિરેન્દ્ર કાંતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.