Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ પાલિકાની મંજૂરી વગર બાંધકામ કરનારની દુકાન સીલ કરવા નોટિસથી ફફડાટ

વલસાડ પાલિકાની મંજૂરી વગર બાંધકામ કરનારની દુકાન સીલ કરવા નોટિસથી ફફડાટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં મંજૂરી વિના ધમધમતા ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વલસાડના મોટા બજાર, ફૂલ ગલી વિસ્તારમાં નગરપાલિકાની મંજૂરી વગર ચાલી રહેલા ઍક બાંધકામ સંદર્ભે પાલિકા વહીવટી તંત્ર દ્વારા આખરી ચેતવણી આપતી નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. વારંવારની સૂચના છતાં બાંધકામ ચાલુ રખાતા તંત્ર આકરા પાણીઍ જાવા મળી હતી.

મળતી માહિતી મુજબ, મોટા બજારની ફૂલ ગલીમાં રહેતા મહમદભાઈ હુસેનભાઈ બંગડીવાલા અને ખાલીદભાઈ જી. કદમ દ્વારા પાલિકાની પૂર્વ મંજૂરી લીધા વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગે વલસાડ નગરપાલિકા દ્વારા અગાઉ ગત તારીખ ૧૨-૦૫-૨૦૨૬ના રોજ જાવક નંબર ૮૮૧થી નોટિસ આપીને ૩ દિવસમાં બાંધકામ પરવાનગી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ સહિતના આધાર-પુરાવા રજૂ કરવા તેમજ બાંધકામ તાકીદે બંધ કરવા સૂચના આપવામાં આવી હતી.

પાલિકાની પ્રથમ નોટિસ અને સૂચના છતાં સંબંધિત આસામીઓ દ્વારા આજદિન સુધી કોઈ પણ માન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, ઍટલું જ નહીં પરંતુ સ્થળ પર ગેરકાયદેસર બાંધકામ પણ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત સ્થળ પર દુકાનની આગળ ખોદકામ પણ કરવામાં આવ્યું છે.

આ ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનને પગલે વલસાડ નગરપાલિકાઍ આકરો વલણ અપનાવી 

સ્થળ પર ચાલી રહેલું ગેરકાયદેસર બાંધકામ અને ખોદકામ તાત્કાલિક અસરે બંધ કરવામાં આવે અને નિયમોનુસાર બાંધકામ પરવાનગી મેળવેલ ન હોવાથી, સદર દુકાનને પાલિકા દ્વારા સીલ કેમ ન કરવી. તે બાબતે  તાકીદે ખુલાસો કરવો પડશે. નગરપાલિકાની આ આકરી કાર્યવાહીથી ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ છે. આગામી દિવસોમાં જો યોગ્ય ખુલાસો કે પુરાવા રજૂ કરવામાં નહીં આવે, તો પાલિકા દ્વારા આ દુકાનને સીલ મારવાની કડક કાર્યવાહી કરવાની ચીમકી આપતા અન્ય ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ  ફેલાઈ ગયો છે.