નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા બાળ મજૂરી વિરુદ્ધ લાલ આંખ
- byDamanganga Times
- 02 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૦૧ ઃ બાળ તથા તરૂણ મજૂરીની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવાના આશય સાથે નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન અને અધ્યક્ષતા હેઠળ જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ગત તા. ૨૬ અને ૨૭ મે ના રોજ વિવિધ વિસ્તારોમાં આકસ્મિક રેડ અને રેસ્ક્યુની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાળ/તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬ અંતર્ગત રચાયેલી આ ટાસ્ક ફોર્સની ટીમે ગેરકાયદેસર રીતે તરૂણો પાસે મજૂરી કામ કરાવતા માલિકો સામે કડક વલણ અપનાવ્યું છે. આ રેડ દરમિયાન જિલ્લા ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા નવસારી જિલ્લાના બીલીમોરા, કબિલપોર અને નવસારી ઉદ્યોગનગર તેમજ હાઇ-વે અને જી.આઈ.ડી.સી જેવા વ્યસ્ત વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યા હતા. આ સઘન ચેકિંગ દરમિયાન કાયદાનું ઉલ્લંઘન કરીને તરૂણો પાસે આકરી મજૂરી કરાવતા કુલ ૭ ઍકમો ઝડપાયા હતા, જ્યાંથી ૧૪ તરૂણ શ્રમયોગીઓને કામ પરથી મુક્ત કરાવી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ તરૂણ શ્રમયોગી રાખતી સંબંધિત તમામ સંસ્થાઓ અને માલિકો સામે જે-તે વિભાગને લગતા નિયમોનુસાર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આ સંયુક્ત રેડ અને રેસ્ક્યુ ઓપરેશનને સફળ બનાવવામાં મહત્વના વિભાગો કે જેમાં મદદનીશ શ્રમ આયુક્તની કચેરી નવસારી, મદદનીશ નિયામક (ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી), જિલ્લા બાળ સુરક્ષા ઍકમ, ઍન્ટી હ્નામન ટ્રાફિકિંગ યુનિટ તેમજ રોજગાર અને વિનિમય કચેરી નવસારીના અધિકારીઓ અને સ્ટાફ સક્રિયપણે આ ઓપરેશનમાં જોડાયા હતા.
