કુકેરીમાં પેટ્રોલપંપ પર ડિઝલ સાથે પાણી આવતાં અનેક વાહનોને નુકશાન
- byDamanganga Times
- 02 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૧ ઃ ચીખલી તાલુકાના કુકેરીગામે ઍક પેટ્રોલ પંપ ઉપર ડીઝલ સાથે પાણી આવતા અનેક વાહનોને ભારે નુકસાન પેટ્રોલ પંપના સંચાલકને રજૂઆત કરતા ઉદ્ધતાઈ પૂર્વકનો જવાબ આપતા ભોગ બનનાર શખ્સે નવસારી જિલ્લા પુરવઠા વિભાગ ને લેખિત રજૂઆતો કરી.
ચીખલી તાલુકાના કુકેરી માધા તળાવ વિસ્તાર ખાતે આવેલ શિવ શક્તિ પેટ્રોલ પંપ માંથી કુકેરીના પાર્થ સિંહ રાઠોડે તારીખ ૧૭. ૫. ૨૬ ના રોજ ઇન્ડિયન ઓઇલ કંપનીના પંપમાંથી પોતાની હુંન્ડાઈ વેન્યુ કાર નંબર જીજે-૨૧-સીસી-૨૫૦૦માં ડીઝલ ભરાવ્યું હતું જોકે ફરિયાદીની કાર ૫૦૦- ૭૦૦ મીટરના અંતરે જઈને બંધ પડી જતા આ અંગેની જાણ હુન્ડાઈ શોરૂમના સંચાલકને કરતા ગાડીને ટોઇન કરીને શોરૂમ ઉપર લાવી મિકેનિક દ્વારા ચેક કરવામાં આવતા ગાડીમાં ભરેલ ડીઝલમાં પાણી સામેલ હોવાથી ઇન્જેકટર તેમજ અન્ય સ્પેર પાર્ટસને નુકસાન થયેલ હોય જોકે કંપની દ્વારા રીપેરીંગ કરીને કાર ચાલકને રૂ. ૩૯.૦૮૯ નું નુકસાનનું બિલ આપવામાં આવતા અરજદાર પાર્થ સિંહ રાઠોડે આ બાબતે પેટ્રોલ પંપ ના સંચાલક મહેન્દ્ર બી. રાઠોડને રજૂઆત કરતા તેમણે પાર્થ સિંહ રાઠોડ ને જણાવેલ કે તમે કારના શોરૂમમાંથી લેટર લઈ આવો અમારે કંપનીમાં બતાવવાનો છે અને તમારી નુકસાની લઈ જજો. જો કે સમગ્ર ઘટના બાબતે પાર્થ સિંહ રાઠોદે હુંન્ડાઈ કંપનીને જાણ કરતા કંપની દ્વારા નુકસાન બાબતનો તેમજ ડીઝલમાં પાણી આવવાના કારણે નુકસાન થયું હોવાનો લેટર આપતા જે લેટર પેટ્રોલ પંપ ના સંચાલકને આપવા જતા તેઓ ગુસ્સે ભરાઈને ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી તમારાથી થાય તે કરી લો ! અમારે પુરવઠા વિભાગમાં લાઈન છે અમે પૈસા આપીઍ છીઍ. જો કે સદર ઘટનાને મામલે અરજદારે નવસારી જિલ્લા પુરવઠા વિભાગ તેમજ નવસારી જિલ્લા કલેકટર અને ચીખલી પુરવઠા વિભાગ અને ઇન્ડિયન ઓઇલ કંપની સુરતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જોકે આ પેટ્રોલ પંપ ઉપર અન્ય વાહન ચાલકોના વાહનોમાં પણ ડીઝલ સાથે પાણી ગયું હોવાનું કહેવાય છે.
