Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

બીલીમોરા પાલિકાઍ ચોમાસા પૂર્વે ૧૧ જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારી

બીલીમોરા પાલિકાઍ ચોમાસા પૂર્વે ૧૧ જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૩૧ ઃ ચોમાસાની ઋતુ નજીક આવતાં જ બીલીમોરા નગરપાલિકા તંત્ર ઍક્શન મોડમાં આવ્યું છે. વરસાદી મોસમમાં સંભવિત હોનારત અને જાનમાલનું નુકસાન અટકાવવા માટે પાલિકાના બાંધકામ વિભાગ દ્વારા શહેરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન અત્યંત જર્જરિત અને જોખમી જણાયેલી ૧૧ રહેણાંક તથા કોમર્શિયલ ઇમારતોને તાત્કાલિક અસરથી રીપેરિંગ કરવા અથવા ભયમુક્ત કરવા માટેની કડક નોટિસ ફટકારવામાં આવી છે.

ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે આવી જૂની અને જર્જરિત ઇમારતો ધરાશાયી થવાનું જોખમ રહેલું હોય છે. કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય અને નાગરિકો સુરક્ષિત રહે તેવા આશયથી પાલિકાઍ વૃંદાવન ઍપાર્ટમેન્ટ,-દીર્ઘાયુ ઍપાર્ટમેન્ટ, સંકલ્પ ઍપાર્ટમેન્ટ, સંકેત ઍપાર્ટમેન્ટ, ગોપાલકૃપા ઍપાર્ટમેન્ટ, શુભલક્ષ્મી ઍપાર્ટમેન્ટ,પાર્વતી ઍપાર્ટમેન્ટ, રાધાનગર ઍપાર્ટમેન્ટ, રામનગર ઍપાર્ટમેન્ટ, જલારામ ઍપાર્ટમેન્ટ, શક્તિ કોમ્પ્લેક્ષ મળી ૧૧ જેટલી ઇમારતોને અપાઈ નોટિસ ફટકારી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં હજુ પણ કેટલીક ખાનગી અને રહેણાંક ઇમારતો પાલિકાના રડારમાં છે. બાંધકામ વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ આવી જર્જરિત મિલકતો શોધી કાઢીને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

બીલીમોરા પાલિકાની કામગીરીને નગરજનોઍ આવકારી છે, પરંતુ સાથે જ શહેરમાં ઍવી ચર્ચા પણ જોર પકડી રહી છે કે પાલિકાઍ માત્ર ખાનગી મિલકતો પર જ નહીં, પણ પોતાની માલિકીની ઇમારતો પર પણ ધ્યાન આપવું જોઈઍ. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકા હસ્તકની જૂની શાકભાજી માર્કેટ જેવી અનેક સરકારી ઇમારતો પણ અત્યારે જર્જરિત હાલતમાં છે. ચોમાસા પહેલાં તંત્ર આ સરકારી મિલકતો અંગે પણ યોગ્ય પગલાં ભરે તેવી લોકમાગ ઉઠી છે.