પીઠા તળાવમાં છાપો મારી રૂ. ૭૦ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ ખાણ-ખનિજ વિભાગની તપાસ ટીમે વલસાડના પીઠા ગામના તળાવમાં છાપો મારી આશરે ૭૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જ કરતા ભુમિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વલસાડ જિલ્લામાં ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વલસાડ તાલુકાના પીઠા ગામના તળાવમાંથી મોટા પાયે સાદી માટીની ખનીજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદ વિભાગને મળી હતી. જેના પગલે વલસાડ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કડક સૂચનાથી કચેરીની ફલાઈંગ સ્ક્વોડ તપાસ ટીમે ગત રોજ વલસાડના પીઠા ગામે તળાવમાંથી માટીનું ગેરકાયદેસર ખનન ચાલું હોવાથી ખાણ-ખનિજ વિભાગની ટીમે છાપો મારતા સ્થળ પરથી ૧ - જેસીબી મશીન, ૦૨ ડમ્પર અને ૦૨ ટ્રેક્ટર મળી કુલ અંદાજિત રૂપિયા ૭૦ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યા છે. જોકે તળાવમાંથી માટી ખોદવા માટે ગામના સુનિલભાઈ બાબુભાઈ આહીરે વલસાડ ખાણ ખનીજ વિભાગમાં ખોદકામ કરવા માટે અરજી આપી હતી.
પરંતુ તેની અરજીને ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈપણ પરવાનગી આપવામાં આવી ન હતી.
તેમ છતાં સુનિલ આહીરે પોતાના સાધનો લઈ ગામ તળાવમાંથી માટી ખોદકામ કરતો હોવાથી ખાણ ખનીજ વિભાગની ટીમને મળેલી ફરિયાદ આધારે છાપો મારી ૭૦ લાખનો મુદ્દામાલ જ કરતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે .
