નંદાવલા સરપંચ સામે સરકારી જમીન પચાવી પાડવાના આક્ષેપ સાથે ડીડીઅોને રજુઆત
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ તાલુકાના નંદાવલા ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ અજયભાઈ નવીનભાઈ પટેલ સામે સત્તાનો દુરુપયોગ કરી સરકારી જમીન પર કાયમી દબાણ કરવાનો અને જમીન પચાવી પાડી ગેરકાયદેસર માટી પુરાણ કરાવવાનો ગંભીર આરોપ ગામના જ ઍક જાગૃત નાગરિક મેહુલભાઈ નાથુભાઈ પટેલે તમામ જરૂરી પુરાવાઓ સાથે વલસાડના જિલ્લા વિકાસ અધિકારી ને લેખિત ફરિયાદ કરી છે અને સરપંચને તાત્કાલિક ધોરણે પદ પરથી દૂર કરવાની માંગ કરી છે.
વલસાડ ના સરોણ-નંદાવલા જૂથ ગ્રામ પંચાયત અલગ થયા બાદ નંદાવલા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે. આ ગામના સર્વે/બ્લોક નંબર ૩૦૨ (જૂનો બ્લોક નં. ૨૮) અને ૩૦૪ (જૂનો બ્લોક નં. ૨૮) વાળી સરકારી જમીન પર સરપંચ અજયભાઈ પટેલે ફેબ્રિકેશનનું પાકું બાંધકામ કરી પોતાનો ખાનગી ધંધો શરૂ કરી દીધો છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચ દ્વારા આ દબાણ હટાવવામાં આવ્યું નથી. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે, આ સરકારી જમીન પહેલેથી જ સમતલ હોવા છતાં, સરપંચ દ્વારા કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી વિના કે ગ્રામસભા કે સામાન્ય સભામાં કોઈ પણ પ્રકારનો ઠરાવ કર્યા વિના મનસ્વી રીતે માટી પુરાણનું કામ શરૂ કરી દેવાયું છે. આ માટી ક્યાંથી લવાઈ રહી છે, તેનો ટ્રક દીઠ ભાવ શું છે અને આ ખર્ચનું ભારણ કોના પર આવી રહ્નાં છે, તેનાથી આખી પંચાયત અને ગ્રામજનો તદ્દન અજાણ છે. અરજદારે આશંકા વ્યક્ત કરી છે કે બાકી બચેલી સરકારી જમીન પણ પચાવી પાડવાના બદઈરાદાથી જ આ પુરાણકામ થઈ રહ્નાં છે.
આ સરકારી જગ્યા પર વર્ષોથી ગ્રામજનો દ્વારા પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવે છે. અગાઉ હોળી માતાની ફરતે ગ્રામજનો મુક્તપણે પ્રદક્ષિણા કરી શકતા હતા, પરંતુ સરપંચના સતત વધતા જતા દબાણના કારણે હવે યોગ્ય રીતે પ્રદક્ષિણા કરવાનું પણ મુશ્કેલ બની ગયું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.
આ સમગ્ર મામલે વલસાડ જિલ્લા પંચાયતના સ્વાગત કક્ષમાં વિધિવત રીતે અરજી સ્વીકારવામાં આવી છે. હવે જોવાનું ઍ રહેશે કે જિલ્લા પ્રશાસન દ્વારા આ ગંભીર આક્ષેપો અંગે તપાસ કરીને સરપંચ સામે કેવા પગલાં ભરવામાં આવે છે.તેના પર સૌની મીટ મંડાયેલી છે
