Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ ટાઉન હોલની દુકાન-સ્ટોલ ધારકો પાસે પાલિકાઍ ૭ દિવસમાં દસ્તાવેજી પુરાવા માંગ્યા

વલસાડ ટાઉન હોલની દુકાન-સ્ટોલ ધારકો પાસે પાલિકાઍ ૭ દિવસમાં દસ્તાવેજી પુરાવા માંગ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ નગરપાલિકા સંચાલિત મહાત્મા ગાંધી મેમોરિયલ ટાઉન હોલ ટ્રસ્ટમાં ભાડા પટ્ટે આપવામાં આવેલી દુકાનો અને સ્ટોલના માલિકો સામે પાલિકા તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ટાઉન હોલ પરિસરમાં આવેલા સ્ટોલ ધારકોને સત્તાવાર નોટિસ પાઠવીને જરૂરી તમામ સરકારી અને વહીવટી દસ્તાવેજો સાત દિવસની અંદર કચેરીઍ રજૂ કરવા કડક આદેશ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં દ્વારકા પાવભાજી (સ્ટોલ નં. ૯) ના સંચાલક અશોક શ્રીધર આચરેકર સહિતના સ્ટોલધારકોને આ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જો નિયત સમયમર્યાદામાં પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નગરપાલિકાઍ નીચે મુજબના ૧૦ દસ્તાવેજોની માંગણી કરી છે નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ મૂળ ઍલોટમેન્ટ લેટર, સ્ટોલ/દુકાનની ફાળવણી સમયે બંને પક્ષકારો વચ્ચે થયેલા કરારનામું (ઍગ્રીમેન્ટ), ટાઉન હોલમાં કબજો ભોગવતા મૂળ સ્ટોલધારકના આધારકાર્ડ, મૂળ સ્ટોલધારકના પાનકાર્ડ, જો દુકાન કે સ્ટોલ પેટા ભાડુઆત ને આપવામાં આવ્યો હોય, તો તે અંગે નગરપાલિકાની પૂર્વ મંજૂરી, ભોગવટેદાર અને પેટા ભાડુઆત વચ્ચે થયેલા કરાર, પેટા ભાડુઆતના આધારકાર્ડ, પેટા ભાડુઆતનો ધંધો ચલાવવા માટેનું ગુમાસ્તા લાયસન્સ, ભાડા પટ્ટે આપેલી આ દુકાનની મુદત જો પૂર્ણ થઈ ગઈ હોય, તો તેને રીન્યુ કરાવવામાં આવી  હોય તો તેની નકલ  માંગવામાં આવી છે.

નગરપાલિકાની આ નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે કિસ્સામાં મૂળ ભોગવટેદાર પોતે જ ધંધો ચલાવતા હશે, તેમને પેટા ભાડુઆતના નિયમો લાગુ પડશે નહીં. પરંતુ જે લોકોઍ પાલિકાની મિલકત ભાડે રાખીને આગળ અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર કે મંજૂરી વિના પેટા ભાડે આપી દીધી છે, તેમના પર આ નોટિસથી મોટી તકલીફ   આવી શકે છે. પાલિકાની આ કાર્યવાહીથી ટાઉન હોલના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.