Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૩૧ ઃ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે જાહેર કરવામાં આવેલી આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે રવિવારે મોટો પલટો જોવા મળ્યો છે. અસહ્ના ઉકળાટ અને ગરમી બાદ જિલ્લામાં ગાજવીજ અને  પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. જો કે, આ  વરસાદને કારણે આંબાવાડીઓમાં કેરીનો પાક ઉતારવાનો બાકી છે, તેને નુકસાન થવાની ભીતિ સેવાતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયો છે.

હવામાન વિભાગ ની આગાહી મુજબ ૩૧ મે, ૧ જૂન અને ૨ જૂનના રોજ વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોઍ ગાજવીજ   સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ત્યારબાદ, ૩ થી ૫ જૂન દરમિયાન પણ વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેશે, જો કે પવનની ગતિ ઘટીને ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાક રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૩૧ મે થી ૫ જૂન સુધી વરસાદ થવાની સંભાવના  વધારે ઍટલે કે ૫૧ થી ૭૫ ટકા જેટલી છે.આગામી દિવસોમાં  પવન અને ગાજવીજ સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા તેમજ ખુલ્લા વિસ્તારોમાં જરૂરી તકેદારી અપનાવવા અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ, વલસાડની પ્રખ્યાત હાફુસ અને અન્ય કેરીઓનો પાક હજુ પણ આંબા પર હોવાથી, વાવાઝોડા જેવા ભારે  પવન અને વરસાદને કારણે કેરી ખરી પડવાની તેમજ પાક બગડવાની શક્યતાને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ૩૧ મે થી ૫ જૂન છૂટાછવાયા સ્થળોઍ ગાજવીજ   અને  ભારે  પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ શરૂઆતના દિવસોમાં ૫૦ થી ૬૦ કિમી/કલાક અને સાહના અંતિમ દિવસોમાં ૪૦ થી ૫૦ કિમી/કલાક રહેવાની સંભાવના છે.