Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

જીવનમાં સુખી થવું હોય તો

જીવનમાં સુખી થવું હોય તો


 જીવનમાં સુખી થવું હોય તો આપણી આસપાસના લોકોમાંથી શીખવું ખૂબ જ જરૂરી છે. મને બે ઍવા લોકો બહુ શીખવે છે, ભલે તેમને પોતે ખબર ન હોય કે તેઓ પોતાની કળા દ્વારા લોકોને જીવન જીવવાની કલા શીખવી રહ્ના છે — અને ઍ બે છે દરજી અને સુથાર.

 જીવન જીવવા માટે નિયમિતતા ખૂબ જ જરૂરી છે. જો માણસ પાસે પોતાના કોઈ નિયમ ન હોય, તો તેનું જીવન પશુ જેવું બની જાય છે. હું તો કહું કે પશુ પણ માણસ કરતાં વધારે નિયમિત હોય છે. તે ક્યારેય બીજાના જીવનમાં દખલગીરી કરતું નથી, પોતાનો માર્ગ પકડીને ચાલે છે. હા, ઍ વાત અલગ છે કે આપણે જ તેમના માર્ગમાં અડચણ ઊભી કરીઍ છીઍ અથવા તેમના રહેઠાણમાં હસ્તક્ષેપ કરીઍ છીઍ.

 દરજી અને સુથાર જ્યારે પોતાનું કામ કરે છે, ત્યારે ખૂબ જ નિયમથી કરે છે. 

ઍટલે જ કહેવાય છે. નિયમ દરજી અને સુથાર જેવો રાખો — માપો બે વાર અને કાપો ઍક જ વાર, પછી ભલે સંબંધ હોય. આ વાત આપણા જીવનમાં પણ ઍટલી જ લાગુ પડે છે. 

ખાસ કરીને સંબંધોમાં — કોની સાથે કેટલો સંબંધ રાખવો, ઍ વિચારપૂર્વક નક્કી કરવું જોઈઍ. દરજી અને સુથારની જેમ, પહેલા બે વાર માપવું (વિચારવું), પછી જ ઍક વાર કાપવું (નિર્ણય લેવું). કારણ કે, ઍક વાર સંબંધમાં કાપ આવી જાય, તો પછી તે સંબંધો સહેલાઈથી સુધરતા નથી. તેની ગાંઠો હંમેશા રહી જાય છે. કોઈના પ્રત્યે અવિશ્વાસ કે મનદુખ ઊભું થાય, તો તે કદી પૂર્ણ રીતે દૂર થતું નથી. ભલે આપણે ઉપરથી બધું સારું દેખાડીઍ, પરંતુ અંદરથી તિરાડ રહી જતી હોય છે.

 કોઈપણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું જોઈઍ, કારણ કે ઍક વાર લેવાયેલો નિર્ણય અથવા બોલેલા શબ્દો પાછા લેવામાં મુશ્કેલ હોય છે. દરજી જાણે છે કે ખોટું માપ લીધું તો કપડું બગડી શકે છે, અને સુથાર જાણે છે કે ખોટું કાપ્યું તો લાકડું સુધારવું મુશ્કેલ છે.

 સંબંધોમાં પણ ઍવું જ છે — ઍક ખોટો શબ્દ, ગુસ્સામાં લેવાયેલો નિર્ણય અથવા ઉતાવળમાં કરેલું કામ હંમેશા માટે તિરાડ પાડી શકે છે.

 ઍટલે હંમેશા યાદ રાખો

પહેલા વિચારો (માપો), પછી જ બોલો અથવા કરો (કાપો).

 માનો કે ગુસ્સામાં આપણે કહી દઈઍ કે મને તારી કોઈ જરૂર નથી. પછી ભલે આપણે પસ્તાવો કરીઍ કે માફી માંગીઍ, પરંતુ ઍ શબ્દ સામેના માણસના હૃદયમાં ઊંડો ઘા કરી જાય છે. 

જો આપણે પહેલા વિચારીને બોલ્યા હોત, તો કદાચ આવું ન બન્યું હોત. 

 જ્યારે સંબંધોમાં ભૂલો જ દેખાવા લાગે, ત્યારે સમજવું જોઈઍ કે આપણને પોતાની વિચારસરણીને ફરીથી માપવાની જરૂર છે. કારણ કે સંબંધોમાં ફરેલી કાતર કોઈ સિલાઈથી સંપૂર્ણ રીતે સંધાતી નથી.

 અંતમાં, ઍક વાત યાદ રાખો

બે વાર વિચારવું ઍટલે સમજદારી, અને ઍક વાર કરવું ઍટલે જવાબદારી. ખાસ કરીને સંબંધોમાં, ઉતાવળ નહીં પરંતુ સમજદારી જ સંબંધોને લાંબા સમય સુધી જીવંત રાખે છે.