બીલીમોરામાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા પાંચ દિવસીય ભવ્ય ટુર્નામેન્ટનો પ્રારંભ
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૮ ઃ બીલીમોરાના રમતપ્રેમીઓ માટે બુધવાર થી ક્રિકેટનો અદભુત રોમાંચ શરૂ થઈ ચૂક્યો છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં રમતગમતની સંસ્કૃતિને વેગ આપવા તથા આજના દોડધામભર્યા જીવનમાં લોકોને તણાવમુક્ત મનોરંજન પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા પાંચ દિવસીય ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી સીમિત ન રહેતા, સ્થાનિક સ્તરે ઍકતા અને ભાઈચારો વધુ દૃઢ બનાવવાનું માધ્યમ પણ બની છે.
?દેસરા તળાવ ગ્રાઉન્ડ ખાતે બુધવારે સાંજે આ શાનદાર ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે પાલિકા પ્રમુખ મનીષ પટેલ, શહેર પ્રમુખ નીરવ ટેલર, વિજય પટેલ, મનહર ઉર્ફ મનાભાઈ પટેલ, સનમ પટેલ, ભાવિન પટેલ, ચિંતન શાહ, મનીષ નાયક, ભરત પટેલ, ધર્મેશ પટેલ, અરવિંદ પટેલ, સુચેતા દુશાને, ઉર્વશી પાટીલ અને અઝીઝ પઠાણ સહિતના અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્ના હતા. શ્રીફળ વધેરી અને મહાનુભાવોના પ્રોત્સાહક શબ્દો સાથે મેચની શરૂઆત કરાવાઈ હતી.
બીલીમોરા ડે નાઇટ ટુર્નામેન્ટમાં પ્રથમ દિવસથી જ ખેલાડીઓ અને પ્રેક્ષકોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ચોગ્ગા છગ્ગાની રમઝટ અને વિકેટોની પતઝડ વચ્ચે મેચો ભારે રોમાંચક બની હતી. ફલડલાઇટ્સના ઝળહળાટ વચ્ચે રમાતી આ ડે નાઇટ ટુર્નામેન્ટને નિહાળવા માટે અને પોતાની મનપસંદ ટીમોને ચીઅર અપ કરવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ અને સ્થાનિક નગરજનો ઉમટી પડ્યા હતા, જેને કારણે તળાવ આસપાસ સ્ટેડિયમ જેવો માહોલ સર્જાયો હતો.
બીલીમોરા અને આસપાસના વિસ્તારોની ૧૬ શક્તિશાળી ટીમો વચ્ચે ખિતાબ જીતવા માટે મેચીસ બોલથી હાઈ-વોલ્ટેજ મેચો રમાશે. મેચોને વધુ રોમાંચક બનાવવા માટે પ્રત્યેક મેચ ૮ ઓવરની રાખવામાં આવી છે,જેનો ગ્રાન્ડ ફિનાલે આગામી ૩૧મી મે, રવિવારના રોજ સાંજે બે ધુરંધર ટીમો વચ્ચે જામશે.
