હનુમાન ભાગડામાં પીચિંગ પર પાલિકા દ્વારા કચરો ઠલવાતાં રહીશોમાં શોષ
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ નગરપાલિકા દ્વારા પ્રિ મોનસુન કામગીરી હેઠળ શહેરની ગંગલી ખાડી સહિતની નાની-મોટી ગટરોની સફાઈ માટે ખાનગી ઍજન્સીને અંદાજે ૭૫ લાખનો માતબર કોન્ટ્રાક્ટ અપાયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત દુર્ગંધ મારતો ગંદો કાદવ-કીચડ અને વેસ્ટ કચરો ટ્રેક્ટરો ભરીને નજીકના ભાગડાખુદ ગામ પંચાયત હદમાં આવેલા પીચિંગ પાસે ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
રહેણાંક વિસ્તારમાં ગંદો કચરો ફેંકી રોગચાળો ફેલાવવાની આ ગંભીર બેદરકારી સામે ગામજનો અને તાલુકા પંચાયત સભ્યઍ નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
રહેણાંક વિસ્તારમાં કચરો ફેંકી રોગચાળો ફેલાવવાની આ ગંભીર બેદરકારી સામે ગામજનો અને તાલુકા પંચાયત સભ્યઍ નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
નિયમ મુજબ, આ ગંદો અને દુર્ગંધયુક્ત કાદવ-કીચડ કોઈ બિનરહેણાંક અથવા અવાવરું જગ્યાઍ મોટો ખાડો ખોદીને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે. પરંતુ અહીં નિયમોના ધજાગરા ઉડાડીને કોન્ટ્રાક્ટર દ્વારા આ અત્યંત જોખમી કચરો ઔરંગા નદી કિનારે વોર્ડ નં. ૨ માં આવેલા અને પૂરગ્રસ્ત ગણાતા પીચિંગ વિસ્તારમાં જાહેરમાં જ નાંખી દેવામાં આવ્યો છે.
સ્થાનિક મહિલાઓઍ આક્ષેપ કર્યો કે પાલિકા ગંભીર ભૂલ અને ગંદકી છુપાવવા માટે કોન્ટ્રાક્ટરે તેના પર રસ્તાનું તોડેલું પાકું કોંક્રિટ મટીરીયલ પાથરી દીધું હતું, જેથી સમગ્ર મામલે ઢાંકપિછોડો કરી શકાય. આજે આ મામલે ગામજનો અને વલસાડ તાલુકા પંચાયત સભ્ય પ્રીતિબેન પટેલ દ્વારા સ્થળ પર જઈને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોને ભય છે કે આ ગંદકીથી ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે. સાથે જ, જો ચોમાસા દરમિયાન ઔરંગા નદીમાં પૂર આવશે, તો આ બધો જ ઝેરી કચરો પાણી સાથે લોકોના ઘરોમાં ઘૂસી જશે. ગામ લોકો હાલ ઍક જ માંગ પર અડગ છે કે આ કચરો અહીંથી તાત્કાલિક હટાવવામાં આવે ઍવી માંગ કરી છે. જનતાના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ખુલ્લા ચેડા અંગે જ્યારે આખી ટીમ દ્વારા વલસાડ નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે લાખો રૂપિયાના ટેન્ડર પાસ કરનારા અધિકારીઓ પોતાની જવાબદારીઓમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જવાબદારો સામે કોઈ કડક પગલાં લેવાશે. કે પછી ભાગડાખુદ ગામના લોકોઍ આમ જ ગંદકી અને રોગચાળાના ઓથાર હેઠળ જીવવા મજબૂર થવું પડશે.
