Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

સલવાવ તળાવનો રૂ.૮.૪૧ કરોડના ખર્ચે વિકાસ શરૂ

સલવાવ તળાવનો રૂ.૮.૪૧ કરોડના ખર્ચે વિકાસ શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૮ ઃ વાપી મહાનગર પાલિકા દ્વારા સલવાવ ગામના તળાવના સર્વાંગી વિકાસ માટે અંદાજિત ૮.૪૧ કરોડ રૂપિયાના ખર્ચે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસકાર્યોને ગતિ આપવામાં આવી રહી છે, જેમાં સલવાવ તળાવ વિકાસ યોજના ખાસ મહત્વ ધરાવે છે.
માહિતી મુજબ, લગભગ ૫.૦૪ હેક્ટર ઍટલે કે અંદાજિત ૧૨ ઍકર વિસ્તારમાં ફેલાયેલા આ ગામ તળાવને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવા માટે ખાનગી કંપનીને ૧૮ મહિનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત તળાવને વધુ ઊંડું બનાવવાની કામગીરી સાથે તેની આસપાસ વોકિંગ ટ્રેક, લોન ઍરિયા, ગાર્ડનિંગ તેમજ લોકોને બેસવા માટે ગાઝેબો જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ઉપરાંત તળાવ વિસ્તારને આકર્ષક અને પરિવારમૈત્રી બનાવવાના પ્રયાસો પણ હાથ ધરાશે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટથી સલવાવ વિસ્તારના લોકોને આરામદાયક અને સ્વચ્છ જાહેર સ્થળ મળશે. તેમજ પર્યાવરણને પણ ફાયદો થશે. ખાસ કરીને સવારે અને સાંજે વોકિંગ તથા ફરવા આવતા લોકો માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે બીજી તરફ, હાલ ચાલી રહેલી કામગીરી અંગે કેટલાક સ્થાનિકોઍ ગુણવત્તા મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા છે. તળાવની અંદર ફરતે ગોઠવવામાં આવતા પથ્થરોનું કામ મજબૂત અને પાકા પાયે ન થતું હોવાની ફરિયાદ સામે આવી છે. સ્થાનિકોના કહેવા મુજબ, જો શરૂઆતથી જ ગુણવત્તા જાળવવામાં નહીં આવે તો ભવિષ્યમાં તળાવના વિકાસકાર્યને નુકસાન થઈ શકે છે.