Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કપરાડા-ધરમપુરના વનવિસ્તારોમાં મળતાં ગ્રિષ્મના ફળોનું અનોખું આકર્ષણ

કપરાડા-ધરમપુરના વનવિસ્તારોમાં મળતાં ગ્રિષ્મના ફળોનું અનોખું આકર્ષણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોîઢા, તા. ૨૭ ઃ ઉનાળાની ઋતુ શરૂ થતાં જ પહાડી વિસ્તારના જંગલોમાં કુદરતી રીતે ઉગતા અનેક જાતિના દેશી ફળો અને શાકભાજી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ખાસ કરીને આહવા, ડાંગ કપરાડા, ધરમપુર દાદરા નગર હવેલી તેમજ મહારાષ્ટ્રના પહાડી અને જંગલ વિસ્તારોમાં ઉનાળાની સિઝનમાં અનેક પ્રકારના જંગલી ફળો જોવા મળે છે.

આ વિસ્તારોમાં કરમદા, અળવા, ધામના અને તોરના જેવા દેશી ફળો ખૂબ જ પ્રસિદ્ધ છે. આ ફળો માત્ર ઉનાળાની ઋતુ દરમિયાન જ ઉપલબ્ધ થતા હોવાથી લોકોમાં તેનો ખાસ મહિમા જોવા મળે છે. 

કરમદા કાચા હોય ત્યારે તેનો ઉપયોગ સ્વાદિષ્ટ અથાણું બનાવવા માટે કરવામાં આવે છે. કરમદાનું અથાણું ગામડાઓમાં ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે. જ્યારે અળવા, ધામના અને તોરના જેવા ફળો પાકી જાય પછી ખાવામાં આવે છે. આ ફળો સ્વાદમાં ખાટા-મીઠા હોય છે અને શરીરને ઠંડક આપતા હોવાને કારણે ઉનાળામાં લોકો તેને ખાસ પસંદ કરે છે.

ઉનાળાની ઋતુમાં પહાડી વિસ્તારોમાં સેવળા અને ચાયા નામની દેશી શાકભાજી પણ કુદરતી રીતે ઉગતી જોવા મળે છે. આ શાકભાજી પૌષ્ટિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે સેવળા અને ચાયાનું શાક ખાવાથી શરીરને તાકાત મળે છે તેમજ ગરમીમાં સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે.

આદિવાસી વિસ્તારોમાં આજે પણ લોકો કુદરત સાથે જોડાયેલા રહી આ પ્રકારના જંગલી ફળો અને દેશી શાકભાજીનો ઉપયોગ પોતાના દૈનિક આહારમાં કરે છે. જેના કારણે પરંપરાગત ખોરાક અને પ્રાકૃતિક જીવનશૈલી આજે પણ જીવંત જોવા મળે છે.