બીલીમોરા શ્રી સોમનાથ મહાદેવ મંદિરે સત્સંગ સમારોહ યોજાયો
- byDamanganga Times
- 28 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૭ ઃ બીલીમોરાના સુપ્રસિદ્ધ અને આસ્થાના કેન્દ્ર સમાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસના પાવન પ્રસંગે આયોજિત ૮ દિવસીય ભવ્ય સત્સંગ સમારોહ મહાદેવ દાદાની અસીમ કૃપાથી અત્યંત દિવ્ય, ભવ્ય અને ભાવસભર માહોલમાં સોમવારે સંપન્ન થયો હતો. તા. ૧૮/૦૫/૨૦૨૬થી તા. ૨૫/૦૫/૨૦૨૬ દરમિયાન યોજાયેલા આધ્યાત્મિક મહોત્સવમાં દરરોજ સાંજે ભક્તિનો અનેરો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. રાજ્યભરમાંથી પધારેલા જુદા જુદા વિદ્વાન વક્તાઓ,પૂજ્ય સંતો અને મહંતોના દિવ્ય સાનિધ્યમાં વહેતી જ્ઞાન-ગંગાનો લાભ લેવા માટે બીલીમોરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. મોહનલાલ ચુનીલાલ શાહ સાંસ્કૃતિક ભવન ખાતે આયોજિત કથા-સત્સંગના અનેરા મહિમાને માણતા શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા અને પરમ આનંદની અનુભૂતિ કરી હતી.
આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવામાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, ટ્રસ્ટીઓ દેવચંદ પટેલ,પંકજ મોદી, નિતીન ગાંધી, જગદીશ મહેતા, વિનોદ દેસાઈ, પ્રદીપ મહેતા તેમજ મેનેજર સુરેશ તલાવીયા અને સમગ્ર સ્ટાફ પરિવાર સહિત આગેવાનોઍ ખડેપગે રહી સેવાઓ આપી હતી.
કાર્યક્રમના અંતે ટ્રસ્ટ પરિવાર દ્વારા દિવ્ય પ્રસંગને સફળ બનાવવામાં તન, મન અને ધનથી સહયોગ આપનાર તમામ સેવાભાવી કાર્યકરો, નગરજનો અને ધર્મપ્રેમી જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં, ટ્રસ્ટના માજી પ્રમુખ શિવજીભાઈ પટેલ ઍ દેવાધિદેવ સોમનાથ મહાદેવ સૌ ભક્તોનું કલ્યાણ કરે અને સુખ-સમૃદ્ધિ અર્પે તેવી મંગલ પ્રાર્થના કરી હતી.
