ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં મીની પાણી પુરવઠા યોજના નિષ્ફળ
- byDamanganga Times
- 27 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૬ ઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. ઉલ્લસપિંડી, પીપરોળ તેમજ બરુમાળ વિસ્તારના ચીકારી અને ગવળી ફળિયામાં ટ્રાઇબલ મીની પાણી પુરવઠા યોજના હેઠળ ઉભી કરાયેલી પાણીની ટાંકીઓ પાણી વિના ખાલીખમ જોવા મળતા યોજના સામે અનેક સવાલો ઊભા થયા છે. ઉલ્લાસપિંડીના વડ ફળિયામાં ૩૦થી વધુ ઘરોની મહિલાઓને પીવાના પાણી માટે બે કિલોમીટરથી વધુ અંતર સુધી જવું પડી રહ્નાં છે. ઍકજ સ્થળે પાણી માટે અનેક ફળિયાની મહિલાઓ ભેગી થતી હોવાથી લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ઘર વપરાશ તેમજ ઢોરઢાકર માટે પણ પાણીની તંગી વિકટ બની છે.
તે જ રીતે પીપરોળ વિસ્તારમાં ૧૦૦થી વધુ ઘરોના રહીશોને ઉનાળાના ત્રણેક મહિના પાણીની અછતનો સામનો કરવો પડે છે તેમજ આ વિસ્તારમાં બોરનું પાણી બંધ થઈ જતા લોકો હાલ ચોમાસા દરમિયાન ભૂગર્ભ ટાંકીમાં સંગ્રહ કરાયેલ પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.
આ ઉપરાંત બરુમાળ વિસ્તારના ચીકારી ફળિયા અને ગવળી ફળિયામાં પણ મીની પાણી પુરવઠા યોજના નિષ્ફળ સાબિત થઈ રહી હોવાનું સામે આવ્યું છે. ગવળી ફળિયાના સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારથી મીની પાણીની ટાંકી ઊભી કરવામાં આવી છે ત્યારથી આજદિન સુધી ટાંકીમાં પાણી આવ્યું જ નથી. જ્યારે ચીકારી ફળિયામાં પાવર સપ્લાયની સમસ્યાને કારણે મોટર શરૂ ન થતા પાણીની સમસ્યા ઉદભવી રહી છે. ગુજરાત સરકારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ ટ્રાઇબલ મીની પાણી પુરવઠા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન અંદાજે રૂ. ૪.૫૭ લાખના ખર્ચે આ ટાંકીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિકોને જરૂરિયાત મુજબ પાણી ઉપલબ્ધ ન થતાં યોજનાની કાર્યક્ષમતા સામે પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, અનેક સ્થળોઍ ૪૦૦ ફૂટથી ઓછા ઊંડાણના બોર ઉતારવામાં આવતા પાણીનો સ્ત્રોત ટકાઉ રહ્ના નથી, જ્યારે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠાની ખામીઓના કારણે ટાંકીઓ ઉપયોગ વિના પડી રહી છે. અંતરિયાળ વિસ્તારમા સરકારની મહત્વાકાંક્ષી યોજના હોવા છતાં આદિવાસી મહિલાઓ આજે પણ પાણી માટે ભટકવા મજબૂર બન્યા છે. સ્થાનિકોઍ પુરવઠા યાંત્રિક વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી ટાંકીઓમાં નિયમિત પાણી પુરવઠો શરૂ કરવા તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
