વેજલપોરના નવા તળાવમાં ન્હાવા પડેલા કિશોરનું ડૂબી જતાં મોત
- byDamanganga Times
- 27 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ વલસાડના વેજલપોરગામના નવા તળાવમાં ન્હાવા પડેલા લીલાપોરના ૧૪ વર્ષીય કિશોરનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ બાળકને બહાર કાઢ્યો હતો.
વલસાડ નજીકના લીલાપોર ગામના કુંભારવાડ વિસ્તારમાં રહેતો રહેતો ૧૪ વર્ષીય -ીત ધીરેન પ્રજાપતિ વલસાડની સ્થાનિક શાળામાં ધોરણ-૯ પાસ કરીને હજુ હમણાં જ ધોરણ-૧૦ માં આવ્યો હતો. વેકેશનનો માહોલ હોવા થી પ્રીત તેના અન્ય પાંચથી સાત મિત્રો સાથે વેજલપોર ગામના નવા તળાવમાં ન્હાવા માટે ગયો હતો. તળાવના ઊંડા પાણીમાં ન્હાતી વખતે અચાનક પ્રીત ડૂબવા લાગ્યો હતો.
પ્રીતને આંખો સામે ડૂબતો જોઈ તેની સાથે આવેલા અન્ય છોકરાઓ ગભરાઈ ગયા હતા અને ડરના માર્યા તળાવમાંથી બહાર નીકળીને ભાગી છૂટ્યા હતા. જોકે, તેમની સાથેનો ઍક કિશોર કિનારે જ બેસી રહ્ના હતો અને તેણે જોરજોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. આ અવાજ સાંભળીને આજુબાજુના સ્થાનિક રહીશો અને ગ્રામજનો તુરંત જ તળાવ તરફ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલાની જાણ વલસાડ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ આધુનિક સાધનો સાથે વેજલપોરના નવા તળાવે પહોંચી ગઈ હતી. તળાવનું પાણી અત્યંત ડહોળું હોવાને કારણે સામાન્ય રીતે શોધખોળ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જેથી ફાયર વિભાગ દ્વારા ડહોળા પાણીમાં પણ સ્પષ્ટ જોઈ શકાય તેવી આધુનિક ‘અંડરવોટર કેમેરા’ ટેકનોલોજીની મદદ લેવામાં આવી હતી. આ હાઈટેક કેમેરાની મદદથી પાણીના તળિયે સર્ચ ઓપરેશન હાથ ધરીને અંતે બાળકને શોધી કાઢવામાં આવ્યો હતો અને તેને બહાર લાવી બચાવવાના પ્રયાસો કરાયા હતા. ૧૪ વર્ષીય પુત્રના આકસ્મિક ડૂબી જવાથી લીલાપોરના પ્રજાપતિ પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
