પારડી ચાર રસ્તાના અોવરબ્રીજ પર જાઈન્ટની ગડર લાંબા સમયથી વિખુટી
- byDamanganga Times
- 27 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૬ ઃ પારડીમાં નેશનલ હાઇવે નંબર ૪૮ મુખ્ય બજાર ચાર રસ્તા પર આવેલ બ્રિજના બંને રસ્તાના વચ્ચે જોઈન્ટની ગડર તૂટી ગયાને લાંબો સમય થઈ ગયો છે અને ગડર નવી બનાવીને બંને રસ્તાના વચ્ચે બ્રિજના ઉપર જોઈન્ટમાં મૂકવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ગડરના પથ્થર પડતા અગાઉ અકસ્માત પણ સર્જાઈ ચૂક્યા છે. ચોમાસા પહેલા આ ગટર નેશનલ હાઇવે નંબર ૪૮ દ્વારા બનાવી દેવામાં આવે ખૂબ જ જરૂરી બની ગઈ છે. અહીં રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ના ચાર રસ્તા મુખ્ય બજારના બ્રિજના બંને રસ્તા ઍટલે કે વાપી વલસાડ તરફના બંને રસ્તાની વચ્ચે બ્રિજના ઉપર ઍક મોટી ગેપ છે જે ગેપમાં વચ્ચે હાઈવે તંત્ર દ્વારા ગડર બનાવીને મૂકવામાં આવી હતી જે ધીરે ધીરે તૂટી ગઈ છે. આ ગડરના તૂટેલા પથ્થર વારંવાર નીચે પડતા અકસ્માત પણ સર્જાયા છે. આ બાબતે હાઇવે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ લાંબો સમય થઈ ગયો હોવા છતાં કોઈ રિપેર કામ હાઈવે તંત્ર દ્વારા બ્રિજના ઉપર કરવામાં આવ્યું નથી. હવે જ્યારે ઉનાળાની સિઝન ધીમે ધીમે જઈ રહી છે અને જૂન મહિનો નજીક આવી ગયો છે ત્યારે વરસાદ પડશે. હજી વરસાદ પડે ઍ માટે ૨૦-૨૫ દિવસનો ગાળો છે તે દરમિયાન તૂટેલી ગડર બનાવી દેવામાં આવે ઍ ખૂબ જ જરૂરી બની ગયું છે. કારણ કે વરસાદ દરમિયાન ગેપમાંથી સીધું નીચે પાણી પડે છે અને નીચે જતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. જેથી બ્રિજના નીચે પાઇપલાઇનથી માંડીને ગડરથી માંડીને દરેક ચીજ વસ્તુઓનો રીપેર કામ કરવામાં આવે ઍ જનતા હિતમાં ખૂબ જ જરૂરી બની ગયું છે જે દિશામાં હાઇવે તંત્ર તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
