Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કરમબેલા-વલવાડા અંડરપાસમાં લાઈટ અને રસ્તા સમારકામ શરૂ થશે

કરમબેલા-વલવાડા અંડરપાસમાં લાઈટ અને રસ્તા સમારકામ શરૂ થશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૨૫ ઃ ઉમરગામ તાલુકાના કરમબેલા રેલવે સ્ટેશન નજીક આવેલા વલવાડા રેલવે અંડરપાસમાં લાઈટની સુવિધા અને રસ્તાના સમારકામ મુદ્દે સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ હવે સંતોષકારક દિશામાં આગળ વધી છે. વલવાડા સિમતળાઈ ફળિયામાં રહેતા ધર્મેશભાઈ ભગુભાઈ પટેલે આ મુદ્દે સાંસદ ધવલભાઈ પટેલને લેખિત રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવાયું હતું કે કરમબેલા રેલવે સ્ટેશન અને દમણગંગા નદી વચ્ચે આવેલો રેલવે અંડરપાસ છેલ્લા બે વર્ષથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હોવા છતાં આજદિન સુધી તેમાં લાઈટની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. 

અંધારાના કારણે મહિલાઓના મંગલસૂત્રની ચીલઝડપ, પર્સ અને મોબાઈલ ચોરી જેવી ઘટનાઓ અગાઉ બની ચૂકી હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો હતો. સ્થાનિકોઍ આશંકા વ્યક્ત કરી હતી કે અંધારાનો લાભ લઈ વધુ ચોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ બની શકે છે.

આ ઉપરાંત અંડરપાસના રસ્તા પર મસમોટા ખાડા પડી જતા વાહનચાલકો તેમજ રોજગાર માટે આવતા-જતા કામદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના હતો. આસપાસ રહેણાંક વિસ્તાર અને નાના-મોટા ઉદ્યોગો આવેલા હોવાથી મોટી સંખ્યામાં લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે.

વિષયની ગંભીરતાને ધ્યાને લઈ સાંસદ ધવલભાઈ પટેલે રેલવે વિભાગને પ્રાથમિકતા ધોરણે સમસ્યાના નિરાકરણ માટે ભારપૂર્વક લેખિત રજૂઆત કરી હતી. જેના અનુસંધાનમાં રેલવે વિભાગ દ્વારા મોકલાયેલા પત્રમાં ૨૬ મેના રોજ અંડરપાસમાં રિપેરીંગ અને જરૂરી કામગીરી શરૂ કરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે.

સ્થાનિકોની રજૂઆત સફળ થતાં વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ છે અને સ્થાનિકોઍ સાંસદ ધવલભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.