વલસાડમાં ગટરમાંથી કાઢેલો કાદવ રસ્તા પર જ છોડી દેવાયો
- byDamanganga Times
- 26 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ ચોમાસાની ઋતુ નજીક આવતા જ વલસાડ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરની નાની-મોટી ગટરોની સાફ-સફાઈ માટે લાખો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે, પાલિકાની કાગળ પરની પ્રી-મોન્સૂન કામગીરી અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી ઍકવાર સપાટી પર આવી છે, જેને કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્ના છે. ગયા વર્ષે પણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવા છતાં શહેરમાં સાફ-સફાઈનો સદંતર અભાવ રહ્ના હતો, જેના કારણે ચોમાસામાં લોકોઍ ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ વર્ષે પણ ઍ જ પુનરાવર્તન થતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્ના છે.
હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા શહેરની કેટલીક મોટી ગટરોની સફાઈ કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ નિયમોને નેવે મૂકીને ગટર લાઈનમાંથી કાઢવામાં આવેલો ગંદો કાદવ-કીચડ રસ્તાની બાજુમાં જ ખુલ્લો છોડી દેવામાં આવ્યો છે. ગટરમાંથી કાઢેલો કાદવ જો રસ્તા પર જ પડ્યો રહેશે, તો પ્રી-મોન્સૂન કામગીરીનો અર્થ જ શું? સામાન્ય વરસાદ આવતાની સાથે જ આ તમામ કાદવ-કીચડ ફરીથી ધોવાઈને ગટરમાં જ જમા થઈ જશે. જો આ કાદવ તાત્કાલિક ધોરણે ત્યાંથી હટાવવામાં નહીં આવે, તો ચોમાસાની શરૂઆતમાં જ ગટર લાઈનો સંપૂર્ણ બ્લોક થઈ જશે તે નક્કી છે. આવી સ્થિતિમાં વરસાદી પાણીના નિકાલના અભાવે લોકોના ઘરોમાં ગંદા પાણીના પરપોટા નીકળે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. હવે જોવાનું ઍ રહે છે કે વલસાડ નગરપાલિકાના સત્તાધીશો આ ગંભીર લાપરવાહી સામે જાગશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી-મોન્સૂનના નામે લાખો રૂપિયા પાણીમાં જશે.
