ધરમપુર તા.પં. પર ભાજપનો ફરી કબજો
- byDamanganga Times
- 25 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૪ ઃ ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીઍ પોતાની બહુમતીના બળ પર ફરી ઍકવાર સત્તા પર કબજો જમાવ્યો છે. પ્રમુખ પદે શકુંતલાબેન સતિષભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ પદે રણજીતભાઈ બાબલુભાઈ ચૌધરી આગામી અઢી વર્ષ માટે સત્તાવાર રીતે ચૂંટાઈ આવ્યા છે.
શુક્રવારે ઉમેદવારી ફોર્મ ભરવાની તેમજ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકીય સમીકરણો જોતા ભાજપની જીત નિડ્ઢિત માનવામાં આવી રહી હતી જેને લઇ ભાજપ પક્ષેથી પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા રહ્ના હતાં.
તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા સચિવ કૃષ્ણપાલસિંહ મકવાણા તથા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ઇજનેર અયાસી ઍ.ડી. પટેલના અધ્યક્ષસ્થાને પૂર્ણ કરવામાં આવી હતી. સભ્યોની હાજરી નોંધાયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે હાથ ઊંચા કરીને મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
પ્રમુખ પદ માટે ભાજપ તરફથી શકુંતલાબેન સતિષભાઈ ચૌધરી અને કોંગ્રેસ તરફથી શીતલબેન નરેન્દ્રભાઈ ચૌધરી ઉમેદવારી નોંધાવી હતી મતદાન દરમિયાન શકુંતલાબેનના સમર્થનમાં ૧૩ સભ્યોઍ મત આપ્યો હતો, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર શીતલબેનને ૯ મત મળ્યા હતા. કોંગ્રેસના નિર્મળાબેન ગવડી તેમજ અપક્ષ સભ્ય સુનિતાબેન પટેલ ગેરહાજર રહ્ના હતા. વધુ મત મળતા શકુંતલાબેન ચૌધરીને તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
ઉપપ્રમુખ પદ માટે ભાજપના રણજીતભાઈ બાબલુભાઈ ચૌધરી સામે કોંગ્રેસની સવિતાબેન વિનયભાઈ બારીયા વચ્ચે મુકાબલો થયો હતો. અહીં પણ ભાજપને ૧૩ મત અને કોંગ્રેસને ૯ મત મળતા રણજીતભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતાં.
તે ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે અશોકભાઈ દીવાની, પક્ષના નેતા તરીકે રઘુભાઈ માંગી તથા દંડક તરીકે આનંદભાઈ બારીયાની નિમણૂક કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ૨૬ ઍપ્રિલે યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ ૨૪ બેઠકોમાંથી ભાજપે ૧૩ બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને ૧૦ બેઠકો અને ઍક બેઠક અપક્ષ ઉમેદવારને મળી હતી. આ બહુમતીના આધારે આજની ચૂંટણી માત્ર ઔપચારિકતા સમાન બની રહી હતી.
વિજય બાદ તાલુકા પંચાયત પરિસરમાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, રાજ્યના આદિજાતિ મંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વિસ્તારના પ્રભારી જીતેશભાઈ પટેલ, ગણેશભાઈ બિરારી, પ્રભાકર યાદવ, વિમલ પટેલ સહિત અનેક હોદ્દેદારો, સરપંચો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતાં. તેમણે નવા ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ તથા અન્ય હોદ્દેદારોને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી અને ફટાકડા ફોડી વિજયોત્સવ ઉજવ્યો હતો.
