Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુરના ઉગતા ગામના ચીકારપાડા ફળિયામાં પાણીનું વિકટ સંકટ

ધરમપુરના ઉગતા ગામના ચીકારપાડા ફળિયામાં પાણીનું વિકટ સંકટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૨૪ ઃ ધરમપુર તાલુકાના ઉગતા ગામના ચીકારપાડા ફળિયામાં છેલ્લા ત્રણ મહિનાથી  પાણીની તીવ્ર સમસ્યા ઊભી થઈ છે. આશરે ૧૦૦થી વધુ ઘરો અને ૧૦૦૦થી ૧૫૦૦ જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં પીવાના તેમજ ઘર વપરાશના પાણી માટે લોકો ભારે હાલાકી ભોગવી રહ્ના છે.

 સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં ત્રણથી ચાર કુવા આવેલા હોવા છતાં ઉનાળાની ઋતુમાં તમામ કુવા સુકાઈ જતા પાણીની તંગી સર્જાય છે. ઍકાદ-બે કુવાઓમાં આખા દિવસ દરમિયાન થોડું ઘણું પાણી ઍકત્ર થતું હોવાથી લોકોને માંડ ઍકાદ બેડું પાણી મળી રહે છે, જે પૂરતું ન હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

પરિસ્થિતિ ઍટલી વિકટ બની છે કે મહિલાઓ રાત્રિના બે વાગ્યાથી જ કુવાઓ પર પાણી ભરવા માટે કતારમાં ઉભી રહે છે. જ્યારે કુવામાંથી પણ પૂરતું પાણી ન મળે ત્યારે ગ્રામજનો સૂકીખટ નદીના ઝરણામાંથી થોડું ઘણું પાણી ભેગું કરી ઘરગથ્થુ ઉપયોગ માટે લઈ આવવા મજબૂર બનતા હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિકોઍ જણાવ્યું કે આ વિસ્તારમાંથી અસ્ટ્રોલ યોજનાની પાઇપલાઇન પસાર હોવા છતાં  આજદિન સુધી આ યોજનાનો લાભ ચીકારપાડા ફળિયાના લોકોને મળ્યો નથી. દર વર્ષે માર્ચ મહિનાથી સરકારી કુવાઓનું પાણી ખૂટી જતા જૂન મહિના સુધી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગ્રામજનોનું કહેવું છે કે ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. તેઓઍ માંગ કરી છે કે વહેલી તકે અસ્ટ્રોલ યોજના હેઠળ પાણી પુરવઠો શરૂ કરવામાં આવે જેથી ચીકારપાડા ફળિયાની લાંબા સમયથી ચાલતી પાણી સમસ્યાનો અંત આવી શકે. હવે જોવાનું રહ્નાં કે સંબંધિત તંત્ર ગ્રામજનોની વ્યથા સાંભળીને તાત્કાલિક પગલાં લે છે કે પછી આદિવાસી વિસ્તારના લોકો આમ જ પાણી માટે સંઘર્ષ કરતા રહેશે.