નાનાપોઢા તા.પં.ના પ્રમુખ - ઉપપ્રમુખ વરાયા : ભાજપ દ્વારા સન્માન કરાયું
- byDamanganga Times
- 25 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૨૪ ઃ નાનાપોંઢા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મનીષાબેન વિજયભાઈ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે તુષારભાઈ અમરતભાઈ પટેલની સત્તાવાર જાહેરાત નાનાપોઢા દૂધ મંડળીના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારી પ્રિતેશભાઈ બારિયાઍ બંનેના નામોની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી પ્રિતેશભાઈ બારિયા તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણભાઈ ગરસિયા દ્વારા નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ પદ માટે અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પરથી મનીષાબેન વિજયભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે તુષારભાઈ અમરતભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી પંચાયત અધિનિયમ અને નિયમો અનુસાર કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થતાં તાલુકા પંચાયતના સભ્યો તથા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જાહેરાત બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. ત્યારબાદ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત ભાજપના આગેવાનો અને તાલુકા પંચાયતના સભ્યો દ્વારા બંનેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ જણાવ્યું હતું કે નવરચિત નાનાપોઢા તાલુકા પંચાયતનો પ્રથમ કારભાર ભારતીય જનતા પાર્ટી સંભાળી રહી છે, જે લોકોના વિશ્વાસ અને વિકાસમુખી કાર્યોનું પ્રતિબિંબ છે. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં તાલુકામાં વિકાસના કાર્યોને વધુ ગતિ આપવામાં આવશે. સાથે જ નવા ચૂંટાયેલા તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ બાદ નાનાપોઢા સ્થિત બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા ભગવાનની પ્રતિમાને હાર અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખે સન્માન સાથે પોતાની ખુરશી સંભાળી સત્તાવાર રીતે કાર્યભાર ગ્રહણ કર્યો હતો.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ મંત્રી નિલેશભાઈ ચોકસી, જિલ્લા ભાજપ મહામંત્રી સુરેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, પૂર્વ પ્રમુખ રમેશભાઈ ગાંવીત, ઍપીઍમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, મનોજભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
