વાપી મનપાનું સુકાન ગુરુવારથી ચૂંટાયેલી પાંખને
- byDamanganga Times
- 25 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ સભા આગામી ગુરુવાર, તા.૨૮-૦૫-૨૦૨૬ ના રોજ સવારના ૧૧ઃ૩૦ કલાકે વાપી મહાનગરપાલિકાના પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરીયમ હોલ, નામધા રોડ,વાપી ખાતે આયોજિત કરવામાં આવી છે.
આ પ્રથમ બોર્ડ બેઠકમાં વાપી મહાનગરપાલિકાના સર્વોચ્ચ રાજકીય હોદ્દા ઍવા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયા કાયદાકીય જોગવાઈઓ અનુસાર પૂર્ણ કરવામાં આવશે. નિયમોની જોગવાઈ મુજબ પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયરની જગ્યા રોસ્ટર શિડયુલ અનુસાર પછાત વર્ગ (સ્ત્રી) કેટેગરી માટે અનામત રાખવામાં આવેલી છે, જેના પર ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી નિમણૂક કરવામાં આવશે.
આ મહત્વપૂર્ણ હોદ્દાઓ ઉપરાંત મહાનગરપાલિકાના વહીવટી અને નાણાકીય માળખાના સુચારુ સંચાલન માટે અત્યંત ચાવીરૂપ ગણાતી સ્ટેન્ડીંગ કમિટી ના બાર ૧૨ સભ્યોની નિમણૂક કરવા બાબત અંગેના કામનો સમાવેશ કરવામાં આવેલ છે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સમયસર પૂર્ણ થાય તે હેતુથી મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારી પત્રો જમા કરાવવા અંગેની સમયમર્યાદાની જાહેરાત પણ કરવામાં આવી છે.
મેયર અને ડેપ્યુટી મેયરના હોદ્દાઓ માટે ચૂંટણી લડવા ઈચ્છતા કાઉન્સિલરોઍ પોતાના નામનિયુક્તિ પત્રો (ઉમેદવારી પત્ર નમૂનો-૧) આગામી મંગળવાર, તારીખ ૨૬-૦૫-૨૦૨૬ સુધીમાં ઓફિસ સમય દરમિયાન મ્યુનિસિપલ સેક્રેટરી ઓફિસ ખાતેથી મેળવી લેવાના રહેશે. સભાના દિવસે નિયુક્ત પ્રમુખ સત્તાધિકારી દ્વારા આ હોદ્દાઓ માટે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કર્યા પછીની ૧૫ મિનિટની અંદર યોગ્ય રીતે ભરેલા નામનિયુક્તિ પત્રો તેમને સુપ્રત કરવાના રહેશે. વાપી મનપાના કમિશનરના પત્ર ક્રમાંક નવ.મનપા./સેકે.વિ./વશી/ઍજન્ડા/૧૭/૨૦૨૬ તા.૨૨/૦૫/૨૦૨૬ હેઠળ આ સત્તાવાર ઍજન્ડા પ્રસિદ્ધ કરીને પ્રથમ સભા માટેની તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
