વલસાડ લેબર કોર્ટનો વળતર ચૂકવવાનો ઐતિહાસિક હુકમ
- byDamanganga Times
- 23 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડની ઍક જાણીતી નિર્માણ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. કંપનીમાં ચાલુ ફરજ દરમિયાન રીસેસના સમયે જમ્યા બાદ સંસ્થાના પ્રીમાઇસીસમાં જ અકસ્માત થતાં ઍક કામદાર નરેશભાઈ બાબુભાઈ પટેલ નું અવસાન થયું હતું. આ દુઃખદ ઘટના બાદ મૃતકના આશ્રિતો દ્વારા વારંવાર અકસ્માત વળતરની માંગણી કરવા છતાં, કંપની દ્વારા આ મૃત્યુ કુદરતી હોવાનું કારણ આગળ ધરી વળતર ચૂકવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
કંપનીના આ અન્યાયી વલણ સામે મૃતકના વારસદારોઍ વલસાડ માં આવેલી ગરવી ગુજરાત લેબર યુનિયનનો સંપર્ક કર્યો હતો. યુનિયનના ઍડવોકેટ કૌશિકભાઈ કાન મારફતે કંપની વિરુદ્ધ નામદાર વલસાડની લેબર કોર્ટમાં કેસ નં. ૦૪/૨૦૨૨ દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર આશ્રિતો તરફથી લેખિત દસ્તાવેજો અને જુબાની રજૂ કરવામાં આવી હતી. સામાવાળા કંપની તરફથી પી.ઍમ. કરનાર અને સાક્ષી સમન્સથી બોલાવેલા ચીફ મેડિકલ ઓફિસર ની જુબાની તેમજ વીમા કંપની તરફથી પણ લેખિત દસ્તાવેજો રજૂ કરાયા હતા. યુનિયનના ઍડવોકેટ કૌશિકભાઈ કાને ચીફ મેડિકલ ઓફિસરની ઊલટતપાસ કરીને કેસને મજબૂત વળાંક આપ્યો હતો. તેમણે સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) અને ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને લેખિત દલીલો રજૂ કરી સાબિત કર્યું હતું કે, આ અકસ્માત કુદરતી નથી પરંતુ આકસ્મિક છે, અને આશ્રિતો કાયદેસર રીતે વળતર મેળવવા હકદાર છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, આખરે સત્યનો વિજય થયો હતો. નામદાર વલસાડ લેબર કોર્ટે ઍડવોકેટ કૌશિકભાઈ કાનની દલીલો ગ્રાહ્ના રાખીને અરજદાર આશ્રિતોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે મૃતક કામદારના અકસ્માતના વળતર પેટે રૂપિયા ૧૩ લાખ ૭૪ હજારથી વધુની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. આ હુકમ અનુસાર, કંપની અને વીમા કંપનીઍ વલસાડ લેબર કોર્ટમાં નાણાં જમા કરાવતા, કોર્ટની જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને મૃતકના આશ્રિત વારસદારોને વળતરની રકમ અપાવવામાં આવી છે.
