વાપી મનપાઍ આકસ્મિક સંજોગોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાની જરૂર
- byDamanganga Times
- 23 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ વાપી મહાનગર પાલિકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની લાઈનોમાં વારંવાર લીકેજની સમસ્યા ઉભી થઈ રહી છે. શહેરમાં ચાલી રહેલા રસ્તા, ગટર તથા અન્ય વિકાસ કામો દરમિયાન પાણીની પાઇપલાઈનોને નુકસાન પહોંચતા અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ જાય છે. પરિણામે રહેવાસીઓને સતત બે થી ત્રણ દિવસ સુધી પાણી વિના હાલાકી ભોગવવાની નોબત આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પાણી સપ્લાય બંધ થતાં ઘરગથ્થુ કામકાજ, પીવાનું પાણી અને દૈનિક જરૂરિયાતો માટે ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં પાણીના અભાવે લોકો પરેશાન બની રહ્ના છે. કેટલાક વિસ્તારોમાં લોકોને ખાનગી ટેન્કર મંગાવી વધારાનો ખર્ચ પણ કરવો પડી રહ્ના છે.
શહેરજનોની માંગ છે કે, જ્યારે પણ પાણીની લાઈન લીકેજ કે મરામતના કારણે પાણી પુરવઠો લાંબા સમય માટે બંધ રહે ત્યારે વાપી મનપા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈઍ. આ ઉપરાંત લીકેજની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા અને વિકાસ કામો દરમિયાન પાણીની લાઈનોને નુકસાન ન થાય તે માટે કડક દેખરેખ રાખવાની પણ માંગ ઉઠી રહી છે.
સ્થાનિકોમાં માનવું છે કે મનપા સમયસર આયોજન કરશે તો નાગરિકોને પાણી જેવી મૂળભૂત સુવિધા માટે હેરાનગતિનો સામનો કરવો નહીં પડે.
