પારડીના ડુંગરીમાં સગાઈ તોડાવવા મામલે હુમલો
- byDamanganga Times
- 22 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૧ ઃ પારડી તાલુકાના ડુંગરીગામમાં સગાઈ તોડાવવાના મામલે ઍક યુવક પર લાકડી અને પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવક તેમજ તેને બચાવવા આવેલા તેના પિતાને પણ માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ ત્રણ લોકો વિરુદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ પારડી તાલુકાના ડુંગરીગામ ખેરવાડ ફળીયામાં રહેતા ૨૮ વર્ષીય રીપલકુમાર ભરતભાઈ પટેલ વાપી સ્થિત ઍક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત ૧૮ મેના રોજ તેઓ રોજની જેમ નોકરી પૂર્ણ કરી પોતાની મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્ના હતા. સાંજના સમયે તેઓ ડુંગરીગામના બેરવાડ ફળીયામાં આવેલા ઉદવાડા, પરીયા, ચોસઠ જોગણી માતાના મંદિર નજીક પહોંચ્યા હતા, ત્યારે ગામના હસમુખભાઈ રણછોડભાઈ કો. પટેલ અને દીપકભાઈ રણછોડભાઈ કો. પટેલે તેમની મોટરસાઇકલ અટકાવી હતી હસમુખભાઈઍ પોતાની દીકરી પ્રિયાન્સી સાથેની સગાઈ કેમ તોડાવી નાખી તે મુદ્દે રીપલકુમાર સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. વાત વધતા હસમુખભાઈઍ યુવકનો શર્ટનો કોલર પકડી ખેંચ્યો હતો અને હાથમાં રહેલી લાકડી વડે તેના પગ અને ડાબા ખભા પર ફટકા માર્યા હતા. હુમલામાં લાકડી તૂટી જતા આરોપીઍ યુવકને લાફા પણ માર્યા હતાં દરમિયાન દીપકભાઈઍ પોતાના હાથમાં રહેલા પ્લાસ્ટિકના પાઈપ વડે રીપલકુમારના પગ અને ખભા પર હુમલો કર્યો હતો. થોડીવાર બાદ દીપકભાઈનો પુત્ર હેમીનભાઈ દીપકભાઈ કો. પટેલ પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને તેણે પણ યુવક સાથે મારામારી શરૂ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે હંગામા દરમિયાન રીપલકુમારના પિતા ભરતભાઈ લલ્લુભાઈ પટેલ ત્યાં આવી જતા તેમણે પોતાના પુત્રને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપીઓઍ તેમને પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જતા જતા આરોપીઓઍ હવે જો સગાઈ તોડાવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ગાળો બોલી ત્યાંથી નીકળી ગયા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે ઘટના બાદ રીપલકુમારે તાત્કાલિક ૧૧૨ ઇમરજન્સી સેવા પર ફોન કર્યો હતો. માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ યુવકના સગાઓ તેને પારડીની મોહનદયાળ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર બાદ ડોક્ટરોઍ યુવકને પગ તથા ડાબા ખભાના ભાગે ઇજા પહોંચી હોવાનું જણાવ્યું હતું. સારવાર પૂર્ણ થયા બાદ રીપલકુમારે હસમુખભાઈ રણછોડભાઈ પટેલ, દીપકભાઈ રણછોડભાઈ પટેલ અને હેમીનભાઈ દીપકભાઈ પટેલ વિરુદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પારડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
