Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતું ગાંજાનું ચલણ ચિંતાનો વિષય

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતું ગાંજાનું ચલણ ચિંતાનો વિષય


 (દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા. ૨૧ ઃ વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સગીર વયના બાળકોમાં ગાંજાના વ્યસનની વધતી પ્રવૃત્તિ માતા-પિતા અને સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગામડાંઓમાં શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક યુવકો નશાની લત તરફ વળી રહ્ના હોવાના બનાવો સામે આવી રહ્ના છે. 

જેના કારણે પરિવારજનોમાં ભય અને અસ્વસ્થતા ફેલાઈ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કેટલાક અસામાજિક તત્વો દ્વારા સગીર યુવકોને સરળતાથી નશીલા પદાર્થો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. શરૂઆતમાં મોજ-મસ્તી અને મિત્રવર્તુળના પ્રભાવ હેઠળ શરૂ થતું આ વ્યસન બાદમાં ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. વ્યસનના કારણે બાળકોના અભ્યાસ, સ્વાસ્થ્ય અને વર્તનમાં નકારાત્મક અસર જોવા મળી રહી છે.

ઘણા માતા-પિતા પોતાના બાળકોના બદલાતા સ્વભાવ, ઘરથી દૂર રહેવાની ટેવ અને શૈક્ષણિક પ્રગતિમાં ઘટાડાને લઈને ચિંતિત બન્યા છે.

 કેટલાક વિસ્તારોમાં સાંજના સમયે જાહેર સ્થળો અને ઍકાંત વિસ્તારોમાં યુવકોના ટોળાં ભેગા થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકોઍ પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગોને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

સાથે સાથે શાળાઓમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવા, માતા-પિતાને સાવચેત રહેવા અને યુવાપેઢીને રમતગમત તથા સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.

વિસ્તારમાં વધતા વ્યસનના કારણે સમાજના ભવિષ્ય સમાન યુવાનો ખોટી દિશામાં ન વળે તે માટે સમગ્ર સમાજે સાથે મળીને પ્રયાસ કરવાની આવશ્યકતા ઉભી થઈ છે.