મોગરાવાડીના યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
- byDamanganga Times
- 21 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃવલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં ઍક ૨૬ વર્ષના આશાસ્પદ યુવકે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલા રામનગર પાસે ૨૬ વર્ષીય પ્રભુનાથ રામનિવાસ નિશાદ રહેતો હતો. ગતરોજ પ્રભુનાથે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર છતના લોખંડના ઍંગલ સાથે કાપડ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઍકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
