Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

થ્રીડીમાં પ્રથમ તબક્કાની સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ

થ્રીડીમાં પ્રથમ તબક્કાની સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૨૦ ઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં જનગણના ૨૦૨૭ના પ્રથમ તબક્કાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૧૯ મે ૨૦૨૬ના રોજ સ્વ-ગણતરી અને હાઉસ લિસ્ટિંગ ઓપરેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

આ અભિયાન દરમિયાન પ્રદેશના નાગરિકો, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ, અધિકારીઓ, ગણતરી કર્મચારીઓ, સુપરવાઈઝરો, સમાજના આગેવાનો અને વિવિધ હિતધારકો તરફથી ઉત્તમ સહકાર મળ્યો હતો. પ્રશાસને તમામનો આભાર વ્યક્ત કર્યો છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર જનગણનાના આંકડા નીતિ નિર્ધારણ, વિકાસ યોજનાઓ, કલ્યાણકારી યોજનાઓ અને સંસાધનોના અસરકારક વિતરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. -દેશના નાગરિકોની સક્રિય ભાગીદારી સમાવેશક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પ્રશાસને આવનારી જનગણનાની કામગીરીમાં પણ નાગરિકોને સહકાર આપવા અને સચોટ માહિતી પ્રદાન કરવા અપીલ કરી છે. સાથે જ જનગણના દરમિયાન ઍકત્રિત થતી તમામ માહિતી જનગણના અધિનિયમ ૧૯૪૮ હેઠળ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસને જનગણના ૨૦૨૭ના પ્રથમ તબક્કાને સફળ બનાવવા બદલ તમામ નાગરિકોનો ફરી ઍકવાર આભાર માન્યો છે.