વાપી થર્ડફેઝની કંપનીમાં આગ
- byDamanganga Times
- 20 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ વાપી જીઆઇડીસીના થર્ડ ફેઝમાં આવેલી રોયલ પ્રોસેસ કંપનીમાં આજે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
વાપી જીઆઇડીસ થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલી રોયલ પ્રોસેસ કંપનીમાં આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં અને આજુબાજુના કંપનીના કર્મચારીઓ ઘટનાને પગલે બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ જીઆઇડીસી ફાયર બ્રિગેડ વિભાગને કરવામાં આવતા તુરંત ઍક બંબા સાથે ફાયર કર્મીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. જોકે ત્યાં સુધીમાં અગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતાં બીજા ૨ બંબા બોલાવવા પડ્યા હતા.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓઍ ઍક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ દરમિયાન ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી, પરંતુ ફેક્ટરીમાં મોટું આર્થિક નુકસાન થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બનાવ બાદ ફેક્ટરીમાં ફાયર સેફટીના સાધનો કાર્યરત હતા કે નહીં, તેમજ સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં તે અંગે તથા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
