ગણદેવી પાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ
- byDamanganga Times
- 20 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૯ ઃ ગણદેવી પાલિકા સભાખંડ ખાતે મંગળવારે અધ્યાસી અધિકારી (ઇન ચાર્જ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ચિખલી) રોશનીબેન પટેલના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નગરપાલિકાના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાતા સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. ગણદેવી નગરપાલિકાના પ્રમુખ પદે અનિતાબેન ભંડારી અને ઉપપ્રમુખ પદે રાજેશભાઈ પટેલ (વકીલ)ની વરણી કરવામાં આવી હતી. આ ભવ્ય પ્રસંગે નવસારી જિલ્લા કમલમ તરફથી ભાજપના અગ્રણી જીગર દેસાઈ, ગણદેવીના માજી પાલિકા પ્રમુખ ભાવેશ પટેલ તેમજ વરિષ્ઠ પત્રકાર પરેશ અધ્વર્યુ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક અગ્રણીઓ અને નગરજનોઍ હાજર રહીને નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી અભિનંદન સહ ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે તમામ નવનિયુક્ત હોદ્દેદારોઍ ગણદેવી નગરને વિકાસના પંથે આગળ ધપાવવા અને વધુ ને વધુ વિકાસશીલ ગતિ આપવા માટે પોતાની મક્કમ તૈયારી અને કટિબદ્ધતા દર્શાવી હતી. ગણદેવી પાલિકા ચીફ ઓફિસર પ્રાચી દોશી અને જયેશ દેસાઈ ( શિરીશતેદાર પ્રાંત કચેરી ચિખલી) ઉપસ્થિત રહયા હતા.
આ ઉપરાંત પાર્ટી તરફથી કારોબારી અધ્યક્ષ તરીકે પિનાકીન પંડ્યા, શાસક પક્ષના નેતા પદે કેયુર વશી અને દંડક પદે જયલક્ષ્મી ગાજુલની નિમણૂકના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે.
