Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી મનપા સંચાલિત નાઇટ સેલ્ટરના રહેવાસીઓ માટે ઍક દિવસીય પિકનિક યોજાઈ

વાપી મનપા સંચાલિત નાઇટ સેલ્ટરના રહેવાસીઓ માટે ઍક દિવસીય પિકનિક યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૯ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત તથા સહયોગ હેલપિંગ હેન્ડ દ્વારા સંચાલિત વાપી સુલપડ ખાતે કાર્યરત નાઇટ સેલ્ટરમાં રહેતા ઘરવિહોણા, નિરાધાર અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના માનસિક ઉત્સાહ, આનંદ અને સામાજિક જોડાણમાં વધારો થાય તે હેતુસર તા. ૧૬/૦૫/૨૦૨૬, શનિવારના રોજ ઍક દિવસીય ધાર્મિક અને મનોરંજનાત્મક પિકનિકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજન અંતર્ગત નાઇટ સેલ્ટરના રહેવાસીઓને સૌ-થમ કલગામ ખાતે આવેલ પવિત્ર હનુમાન મંદિર ખાતે દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા. મંદિર ખાતે તમામ રહેવાસીઓઍ ભક્તિભાવપૂર્વક દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ તમામ લોકોને નારગોલના પ્રખ્યાત દરિયા કિનારે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો. દરિયાકિનારે રહેવાસીઓઍ આનંદમય સમય વિતાવી હર્ષ અને ઉત્સાહની લાગણી અનુભવી હતી.

આ સમગ્ર પ્રવાસ દરમિયાન રહેવાસીઓ માટે નાસ્તા તથા જરૂરી સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. વૃદ્ધ અને નિરાધાર લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સંચાલક મંડળ તથા સ્ટાફ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી હતી.આ આયોજન માત્ર ઍક પ્રવાસ પૂરતું સીમિત ન રહી, પરંતુ સમાજના મુખ્ય પ્રવાહથી દૂર રહેલા લોકોના જીવનમાં ખુશી, આત્મીયતા અને નવી ઉર્જા લાવવાનો ઍક માનવતાવાદી પ્રયાસ સાબિત થયો હતો. સંસ્થાના સંચાલક યતીનભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ આ આયોજન સમાજ માટે પ્રેરણાદાયી અને સેવાભાવી કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

ઉલ્લેખનીય છે કે, નાઇટ સેલ્ટરમાં રહેતા લોકો માટે દૈનિક જીવનની આવશ્યક સુવિધાઓ ખૂબ જ વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં સવારે ગરમ અને પૌષ્ટિક નાસ્તો, બપોરે તથા રાત્રે ગુણવત્તાયુક્ત ભોજન તેમજ સાંજે હળવા નાસ્તાની સુવિધા નિયમિતપણે પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે રહેવાસીઓના શારીરિક અને માનસિક આરોગ્યને ધ્યાનમાં રાખીને સમયાંતરે યોગા સેશન, મેડિકલ ચેકઅપ કેમ્પ, મેડિટેશન કાર્યક્રમ, કાઉન્સેલિંગ તથા આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે. નાઇટ સેલ્ટરમાં રહેતા લોકો સમાજમાં માન-સન્માન સાથે જીવન જીવી શકે અને તેઓમાં આત્મવિશ્વાસનો વિકાસ થાય તે દિશામાં સંસ્થા સતત કાર્યરત છે.