થ્રીડીમાં ખેલ મહોત્સવના વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો
- byDamanganga Times
- 20 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૧૯ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના રમતગમત અને યુવા બાબતો વિભાગ દ્વારા આયોજિત ખેલ મહોત્સવ - ૨૦૨૬ કાર્યક્રમ હેઠળ આયોજિત વિવિધ રમતગમત સ્પર્ધાઓના વિજેતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. દીવના નાયબ જિલ્લા કલેક્ટર શિવમ મિશ્રા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્ના હતા અને વિજેતા ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા હતા.
નાયબ જિલ્લા કલેક્ટર શિવમ મિશ્રાઍ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ખેલ મહોત્સવ - ૨૦૨૬ જેવા કાર્યક્રમો દીવમાં રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે અને યુવાનોમાં રમતગમતમાં રસ અને ભાગીદારી સતત વધારશે. તેમણે ખેલાડીઓને ભવિષ્યમાં તેમનું ઉત્તમ પ્રદર્શન ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમ દરમિયાન, યોગ, તાઈકવૉન્ડો, શૂટિંગ, વોલીબોલ, બીચ સોકર, બેડમિન્ટન અને ચેસ સ્પર્ધાઓના વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેલાડીઓના ઉત્સાહ અને ઉત્કૃષ્ટ પ્રદર્શને સમગ્ર કાર્યક્રમ દરમિયાન સકારાત્મક અને પ્રેરણાદાયક વાતાવરણ બનાવ્યું હતું.
જિલ્લા શિક્ષણ અધિકારી પિયુષ મારુ, આરટીઓ સંદીપ બારિયા, અને રમતગમત અને યુવા બાબતોના વિભાગના અધિકારીઓ અક્ષય કોટલવાર, દેવરાજ સિંહ રાઠોડ અને નાનાજી જેઠવા ખાસ મહેમાનો તરીકે હાજર રહ્ના હતા.
ખેલ મહોત્સવ - ૨૦૨૬ નું આયોજન પ્રશાસક પ્રફુલ્લ પટેલની સકારાત્મક પહેલ અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટેના દૂરંદેશી અભિગમના ભાગ રૂપે કરવામાં આવી રહ્નાં છે. આ ઉત્સવ રમતવીરોને વધુ સારી રમતગમત સુવિધાઓ અને સ્પર્ધાત્મક તકો પૂરી પાડી રહ્ના છે. વહીવટીતંત્રે માહિતી આપી હતી કે ખેલ મહોત્સવ - ૨૦૨૬ હેઠળ ૨૨ મે પછી ટગ ઓફ વોર, કેરમ અને સ્વિમિંગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાઓ વધુ ખેલાડીઓ અને રમતગમત ઉત્સાહીઓને તેમની પ્રતિભા દર્શાવવા અને સ્પર્ધાત્મક અનુભવ મેળવવાની તક પૂરી પાડશે. વધુ માહિતી માટે, મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી નાનજી જેઠવાનો ૭૮૭૮૧૪૪૬૫૫ પર સંપર્ક કરી શકાય છે.
