બીલીમોરામાં ૧૪૫થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાયું
- byDamanganga Times
- 19 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૮ ઃ શ્રી બીલીમોરા મોઢ ગાંધી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમાજના ઉત્થાન અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રશંસનીય સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકમાસની ઍકમના પવિત્ર રવિવારે બીલીમોરામાં વસવાટ કરતા મોઢ ગાંધી સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક દ્વારકાધીશ મંદિરના હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં સમાજના ધોરણ-૧ થી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા ૧૪૫થી વધુ જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓને અંદાજે ૨૫૦૦ જેટલી નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સેવાકાર્યનો લાભ લેવા ઉપસ્થિત રહ્ના હતાં.
કાર્યક્રમના અંતમાં, શિક્ષણ ક્ષેત્રે કરાયેલા ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે જે દાતાશ્રીઓઍ આર્થિક અને વસ્તુરૂપી મૂલ્યવાન યોગદાન આપ્યું છે, તે તમામ દાતાશ્રીઓ તેમજ ઉપસ્થિત જ્ઞાતિજનોનો મંડળના પ્રમુખ અંબરીશભાઈ ગાંધી તથા માનદ મંત્રી અલ્કેશભાઈ ગાંધીઍ યુવક મંડળના તમામ સભ્યો વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સમગ્ર મોઢ ગાંધી સમાજના અગ્રણીઓઍ યુવક મંડળની આ શિક્ષણલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી.
