બીલીમોરાના રક્તદાન કેમ્પમાં ૧૧૭ યુનિટ રક્ત ઍકત્ર થયું
- byDamanganga Times
- 19 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૮ ઃ શહેરની અગ્રણી સામાજિક સંસ્થા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, બિલિમોરા દ્વારા રવિવારે સોમનાથ સંકુલ સ્થિત રામીબેન આમલીયન હોલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક અગ્રણીઓ, ટ્રસ્ટના હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સેવાકીય પ્રવૃત્તિનો શુભારંભ કરાયો હતો. કેમ્પમાં રક્તદાતાઓના ભારે ઉત્સાહ વચ્ચે કુલ ૧૧૭ યુનિટ લોહી ઍકત્ર કરવામાં આવ્યું હતું,જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
કેમ્પ અંગે વિગતો આપતા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજય પટેલે જણાવ્યું હતું કે, ટ્રસ્ટના પૂર્વ મંત્રી સ્વ. દિનેશભાઈ માલીની સ્મૃતિમાં દર વર્ષે તેમની પુણ્યતિથિ ઍટલે કે ૧૭મી મેના રોજ રક્તદાન કેમ્પ યોજવાનો સંકલ્પ લેવાયો છે. જેના ભાગરૂપે તેમની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આજે આ દ્વિતીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખે તમામ રક્તદાતાઓ, સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ પરિવાર તથા આર્થિક સહયોગ આપનાર ગણદેવી પીપલ્સ કો-ઓપરેટિવ બેંક સહિત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. કેમ્પની મુખ્ય વિશેષતા ઍ રહી હતી કે અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક ૯૭મી વખત રક્તદાન કરનાર પ્રેરણારૂપ રક્તદાતા કૈલાસભાઈ સોનીનું સંસ્થા દ્વારા વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ બિલિમોરા પંથકમાં આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર રહ્નાં છે. કોરોનાના અત્યંત કપરા કાળ દરમિયાન પણ ટ્રસ્ટ દ્વારા મેંગુષી હોસ્પિટલ ખાતે ૩૦ બેડની સુવિધાયુક્ત કોરોના કેર હોસ્પિટલ વિનામૂલ્યે શરૂ કરાઈ હતી. જેમાં દર્દીઓને તમામ લેબોરેટરી ટેસ્ટ, સીટી સ્કેન, દવાઓ તેમજ દર્દી અને તેમના પરિવારજનો માટે બે ટાઈમ ચા-નાસ્તો અને જમવાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા મફત પૂરી પાડવામાં આવી હતી. ઉપસ્થિત અગ્રણીઓઍ ટ્રસ્ટની આ ઐતિહાસિક લોકસેવાને યાદ કરી સંસ્થાની કામગીરીની મુક્ત કંઠે સરાહના કરી હતી. સેવા યજ્ઞમાં રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટી હ્લદયનાથ ઉર્ફે પપ્પુભાઈ પટેલ, અનિતાબેન માલી, ઍડવોકેટ પંકજ મોદી, શહેર ભાજપ પ્રમુખ નિરવભાઈ ટેલર, ગણદેવી પીપલ્સ બેંકના ચેરમેન જસ્મિનભાઈ દેસાઈ, જનરલ મેનેજર હિમાંશુંભાઈ વૈદ્ય, ડિરેક્ટર પ્રગ્નેશ પટેલ અને અલકેશ શાહ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનોઍ હાજર રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો.
