બામટી-લાલ ડુંગરીમાં ગૌચર જમીન પરથી દબાણો દૂર કરાયા
- byDamanganga Times
- 19 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૮ ઃ ધરમપુર તાલુકાના બામટી-લાલ ડુંગરી વિસ્તારમાં ગૌચર જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા આજે ગ્રામ પંચાયત અને પોલીસ તંત્રની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ગૌચર જમીન પર થયેલા દબાણોને લઈને અનેક વખત નોટિસો આપવામાં આવ્યા બાદ અંતે જેસીબીની મદદથી દબાણો દૂર કરાયા હતા.
પ્રા માહિતી અનુસાર બામટી ગામના ગૌચર સર્વે નં. ૩૦૩, ૩૯૦ અને ૨૯૬ ના અલગ અલગ સર્વે નંબર પર હર્ષદભાઈ વેલજીભાઈ પટેલ, ભરતભાઈ ધીરુભાઈ આહીર, સંતોષ રામક્ષત્ર ચૌહાણ, અજય ગુલાબ પટેલ, ગુણવંત અંબુભાઈ પટેલ, કમુબેન છનાભાઈ આહીર, કેતન રામુભાઈ પટેલ તથા ઉખેડભાઈ બહાદુરભાઈ પટેલ દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
બામટી ગ્રામ પંચાયત દ્વારા તમામ દબાણકારોને ૧૬ /૫/ ૨૦૨૬ના રોજ નોટિસ પાઠવી ૧૮ મેના રોજ સવારે ૧૦ વાગ્યા સુધી ઘરવપરાશની કિંમતી ચીજવસ્તુઓ સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત વર્ષ ૨૦૨૩થી ૨૦૨૬ દરમિયાન પાંચ જેટલી નોટિસો આપી દબાણ સ્વયં દૂર કરવા જણાવાયું હતું.
પોલીસ દ્વારા લાંબા સમય સુધી સમજાવટ બાદ અંતે ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક અન્ય દબાણકારોઍ સ્વયં પોતાના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ધરમપુર પોલીસ મથકના પી.આઈ. ઍન.ઝેડ. ભોયા, પી.ઍસ.આઈ. વસાવા, બામટી ગામના સરપંચ વિજયભાઈ પાનારિયા તથા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે હાજર રહ્ના હતા.
