વલસાડમાં બાળકો માટે ૧૫ દિવસીય સમર કેમ્પનો શુભારંભ
- byDamanganga Times
- 19 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે આખા પ્રદેશમાં ૩૦૦થી વધુ સમર કેમ્પોનું શુભારંભ આજથી કરવામાં આવેલું છે તે પૈકી વલસાડ જિલ્લામાં બાળકો માટે વિવિધ તાલુકાઓમાં ૧૫ દિવસીય ૬ નિંશુલ્ક સમર કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદ હોસ્પિટલ વલસાડ, તિથલ રોડ માં ચાલતા કેમ્પના શુભારંભ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ન હસ્તે કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાન અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, બેંક ઓફ બરોડાના અધિકારી ભરતભાઈ વલસારા, આયુર્વેદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સુમિત પટેલ ઉપસ્થિત રહ્ના. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાધવાનો છે.
વર્તમાન સમયમાં બાળકો મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પાછળ વધુ સમય વિતાવતા હોય છે. ત્યારે આ વ્યસનથી દૂર રહી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરે તેવા પ્રયાસો આ કેમ્પ ના માધ્યમથી કરવામાં આવશે. તાલીમ દરમિયાન નિષ્ણાંતો ના માધ્યમથી બાળકોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિસરની સમજ આપવામાં આવશે, તેમજ વિવિધ નિષ્ણાતો મારફત બાળકોને ટ્રાફિક રુલ્સ, સેલ્ફ ડિફેન્સ, હેલ્થ અને હાઈજીન, હેલ્ધી ફૂડ, વેઇસ્ટ માંથી બેસ્ટ અને ડ્રોઈંગ વિગેરે શીખવવામાં આવશે. આ ઉપરાંત શ્રીમદ ભગવત ગીતાના શ્લોકોનું પઠન અને પ્રાર્થનાઓ ને નિષ્ણાતો દ્વારા કંઠસ્થ કરાવવામાં આવશે. તમામ જિલ્લાના ૬ સમર કેમ્પો ના આયોજન જિલ્લાના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવ ના માર્ગદર્શનમાં થઈ રહેલ છે.
