વાપીના કેમિસ્ટો ૨૦મીઍ ઍક દિવસની પ્રતિક હડતાલમાં જાડાશે
- byDamanganga Times
- 18 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપીમાં ઓનલાઈન દવાનું વેચાણ તથા નકલી અને ભેળસેળ યુક્ત દવાઓના વેચાણના વિરોધમાં ૨૦મી મેના રોજ ઍક દિવસની પ્રતિક હડતાલમાં વાપી વિભાગ કેમિસ્ટ ઍસોસિઍશનના સભ્યો જોડાશે.
વાપી વિભાગ કેમિસ્ટ ઍસોસિઍશનના પ્રમુખ મિતેશભાઇ શાહ અને સેક્રેટરી મિતેશભાઇ બી. દેસાઈના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં અને ગુજરાત તથા વાપી વિભાગમાં ઓનલાઈન દવાના વેચાણ તેમજ બજારમાં વધી રહેલી નકલી અને ભેળસેળયુક્ત દવાઓના વેચાણના વિરોધમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટની સૂચના અને આદેશ અનુસાર આ ઍક દિવસીય પ્રતિક હડતાળ કરવામાં આવી રહી છે. વાપી પંથકમાં મેડિકલ સ્ટોર ધરાવતા અને દવાનો હોલસેલ વેચાણ કરનાર ઍક કેમિસ્ટ ઍસોસિઍશનના આગેવાનોના જણાવ્યા અનુસાર ઓનલાઈન દવાના વેચાણને કારણે નાના અને મધ્યમ સ્તરના દવા વેપારીઓ પર આર્થિક અસર પડી રહી છે. સાથે જ કેટલાક ઓનલાઈન માધ્યમો દ્વારા નિયમોનું પાલન કર્યા વિના દવાઓનું વેચાણ થતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. બીજી તરફ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત દવાઓના વધતા જતાં કિસ્સાઓને કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. હડતાળ દરમિયાન વાપી વિભાગના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ પ્રતીક રૂપે બંધ રાખવામાં આવશે. જોકે તાત્કાલિક અને જીવનરક્ષક દવાઓની જરૂરિયાત ધરાવતા દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલ તેમજ કેટલીક મેડિકલ સ્ટોરમાં સેવાઓ ચાલુ રાખવા આવશે ઍસોસિઍશન દ્વારા સરકાર સમક્ષ ઓનલાઈન દવાના વેચાણ ઉપર કડક નિયમો અમલમાં મૂકવાની તેમજ નકલી દવાઓના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
હડતાળને લઈ વાપી શહેર તેમજ આસપાસના વિસ્તારોના દવા વેપારીઓમાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
