મોટીદાંતી ગામ ‘નામશેષ’ થવાના આરે
- byDamanganga Times
- 18 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના મોટી દાંતી તેમજ મેથીયા ગામના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં રેતી માફિયાઓ હજારો ટન રેતી કાઢી બિન્દાસ લઈ જતાં હોય છે. આ રીતે ખંડનના કારણે આવનારા દિવસોમાં મોટી દાતી દરિયામાં ઘરકાવ થઈ જવાની બ્રિટી સેવાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં બેફામ બનેલી રેતી ચોરી હવે ગ્રામજનો માટે કાળ સમાન સાબિત થઈ રહી છે. ખાસ કરીને મોટી દાંતી અને તેની નજીક આવેલા મેથીયા ગામમાં રેતી માફિયાઓ દ્વારા દિવસ-રાત મોટા પાયે થઈ રહેલા રેતીના ખનનને કારણે આખેઆખા ગામ દરિયામાં ગરકાવ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર રેતી માફિયાઓ દરિયાઈ પટ્ટી પરથી જે રીતે ગેરકાયદેસર રીતે રેતી ઉઠાવી રહ્ના છે, તેના પરિણામે દરિયા કિનારાનું કુદરતી સંરક્ષણ નબળું પડ્યું છે. રેતી ઓછી થતા દરિયાઈ ધોવાણની પ્રક્રિયા અત્યંત ઝડપી બની છે. દરિયાના મોજાં હવે સીધા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્ના છે. અગાઉ જ્યાં મજબૂત કિનારો હતો, ત્યાં હવે માત્ર દરિયો દેખાઈ રહ્ના છે. જો આ જ ગતિઍ ખનન ચાલુ રહ્નાં, તો મોટી દાંતી ગામ નકશા પરથી ભૂંસાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.લાંબા સમયથી ચાલી રહેલી આ પ્રવૃત્તિ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રની રહેમનજર હેઠળ અથવા નિષ્ક્રિયતાને કારણે આ માફિયાઓ બેફામ બન્યા છે. અમારું ઘર અને જમીન દરિયો ગળી રહ્ના છે. જો સરકાર આ રેતી ચોરો સામે કડક પગલાં નહીં ભરે, તો અમારે બેઘર થવાનો વારો આવશે. આ માત્ર ચોરી નથી, પણ અમારા અસ્તિત્વ સામેનો ખતરો છે. મોટી દાંતી અને મેઠીયા ગામના કિનારે તાત્કાલિક પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, રેતી ચોરી કરનાર માફિયાઓ સામે ગુનાહિત કેસ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે, દરિયાઈ ધોવાણ અટકાવવા માટે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી માંગ છે.
