પારડીની ડે બોર્ડિંગ સ્કુલ પાછળથી યુવકનો મૃતદેહ મળ્યો
- byDamanganga Times
- 16 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૫ ઃ પારડીમાં વલ્લભ આશ્રમ નજીક ડે-ર્બોડિંગ સ્કૂલ પાછળ ઍક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી મૃતકની ઓળખ અજયભાઈ જયેશભાઈ નાયકા તરીકે થઈ હતી. જે કિલ્લા પારડીના સ્વાધ્યાય મંડળ રોડ વિસ્તારમાં પોતાની માતા સાથે રહેતા હતાં. મૃતકના કાકા રાકેશભાઈ રામુભાઈ નાયકાઍ પોલીસ સમક્ષ આપેલી જાહેરાત મુજબ, અજયભાઈ તા. ૧૩ મે ૨૦૨૬ના રોજ બપોરના સમયે કોઈને કંઈ કહ્ના વગર ઘરેથી નીકળી ગયા હતા. સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોઍ આસપાસ તેમજ સગા-સંબંધીઓમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમની કોઈ માહિતી મળી ન હતી. દરમિયાન તા. ૧૫ મે ૨૦૨૬ના રોજ સવારે આશરે ૯ ઃ ૩૦ વાગ્યે ભરવાડ દાનાભાઈ ગાય ચરાવવા વલ્લભ આશ્રમ પાછળના વિસ્તારમાં ગયા હતા. ત્યાં ઍક અજાણ્યા યુવકનો મૃતદેહ દેખાતા તેમણે સ્થાનિક લોકોને જાણ કરી હતી. બાદમાં પરિવારજનોઍ સ્થળ પર પહોંચી મૃતદેહની ઓળખ અજયભાઈ તરીકે કરી હતી. પરિવારજનોઍ જણાવ્યું હતું કે અજયભાઈ કોઈ કામધંધો કરતા ન હતા અને દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. જોકે છેલ્લા ૧૪થી ૧૫ દિવસથી તેમણે દારૂ છોડયો હતો જેના કારણે તેમનો સ્વભાવ ચીડિયો બની ગયો હતો અને માનસિક સ્થિતિ પણ સ્થિર ન રહેતી હોવાનું જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં પારડી પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સી.ઍચ.સી. પારડી ખાતે ખસેડ્યો હતો. પરિવારજનોઍ કોઈ શંકા વ્યક્ત કરી નથી, પરંતુ મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
