Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીના જનસેવા ગાર્ડનમાં તકેદારી રાખી રિનોવેશન કરવા માંગ

વાપીના જનસેવા ગાર્ડનમાં તકેદારી રાખી રિનોવેશન કરવા માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૪ ઃ વાપી શહેરના જનસેવા ગાર્ડનમાં ચાલી રહેલા રિનોવેશન કામ અંગે સિનિયર સિટીઝન કાઉન્સિલ ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશ્નર તથા નાયબ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયથી ગાર્ડનમાં નિયમિત વોકિંગ માટે આવતા સિનિયર સિટીઝનોઍ જાહેર નાણાંનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની માંગ કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે ગાર્ડનમાં પહેલેથી બનાવેલા બાંકડા, ગાઝેબો, ટોયલેટ બ્લોક અને આરામ માટેની છત્રીઓ સારી સ્થિતિમાં હોય તો માત્ર રીપેરિંગ અને રંગરોગાન કરીને યથાવત રાખવા જોઈઍ. અનાવશ્યક નવી રચનાઓ ઉભી કરવાથી જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ થતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સિનિયર સિટીઝનોઍ ગાર્ડનના તળાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. છેલ્લા લગભગ સાત મહિનાથી તળાવ સૂકાઈ જતાં માછલીઓ અને કાચબાઓનું અસ્તિત્વ ખતમ થયું હોવાનું જણાવાયું છે. તેથી નહેર અથવા ટેન્કર મારફતે તાત્કાલિક પાણી ભરવાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત, ગાર્ડન દાતાઓના યોગદાનથી બન્યું હોવાથી દાતાઓના નામની તકતી સાફ કરીને સ્પષ્ટ રીતે મૂકવાની માંગ કરવામાં આવી છે. નજીક હોસ્પિટલ આવેલી હોવાથી ગાર્ડનમાં ઍપી થિયેટર બનાવવાનું આયોજન રદ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી દર્દીઓને અવાજથી તકલીફ ન પડે.

સિનિયર સિટીઝન અને નાના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવાની તથા અન્ય લોકો માટે પ્રવેશ ફી લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે. ગાર્ડનમાં વધતા અસામાજિક તત્વોને રોકવા માટે સિક્યુરિટી ગાર્ડ મુકવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.

અંતમાં, ગાર્ડનના પુનરુત્થાન માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી જે બચત થાય તે રકમ અન્ય વિકાસ કાર્યોમાં વાપરવાની અપીલ કરવામાં આવી છે. આ રજૂઆત અમૂલ આર. દેસાઈ, જનસેવા ગાર્ડન વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલ ગ્રુપ તરફથી કરવામાં આવી છે.