Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ગણદેવીમાં ન્યાયની માંગ વચ્ચે ખાનગી ફાર્મ હાઉસમાં મિટિંગ !

ગણદેવીમાં ન્યાયની માંગ વચ્ચે ખાનગી ફાર્મ હાઉસમાં મિટિંગ !


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૧૪ ઃ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ૧૭ વર્ષીય આદિવાસી સગીર પર પોલીસ દ્વારા કથિત અમાનવીય અત્યાચારના મામલે હવે નવો વળાંક આવ્યો છે. ઍક તરફ પીડિતને ન્યાય અપાવવા માટે મામલતદારને આવેદન પત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કરાયો, તો બીજી તરફ ગણતરીના કલાકોમાં જ જવાબદાર અધિકારીઓ અને આવેદન પત્ર પાઠવતી વખતે હાજર રહેનાર અરજદાર વચ્ચે ખાનગી ફાર્મ હાઉસમાં યોજાયેલી ગુ મિટિંગ લોકમુખે ચર્ચાના વિષય સાથે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી  છે.

  મંગળવારે આદિવાસી સમાજ દ્વારા ગણદેવી મામલતદાર દિપીકાબેન રોઝને આવેદન પત્ર પાઠવી આક્ષેપ કરાયો હતો કે, સગીરની પૂછપરછ દરમિયાન કાયદાના લીરેલીરા ઉડાવી તેના પર અમાનવીય દમન ગુજારવામાં આવ્યું છે. આક્રોશ સાથે જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. તો બીજી તરફ બે દિવસમાં ઍટલે કે ગુરુવારે લોકમુખે ચર્ચાઈ રહેલી માહિતી મુજબ બીલીમોરા નજીક મજીગામના ઍક ખાનગી ફાર્મ હાઉસમાં જે દ્રશ્યો સર્જાયા તેણે સૌને વિચારતા કરી દીધા છે. પોલીસ સ્ટેશન છોડીને પોલીસ અધિકારી અને જે અગ્રણીઍ સગીર સાથે રહીને જોરશોરથી આવેદન આપ્યું હતું તેઓ વચ્ચે ખાનગીમાં ગુફતગુ થઈ હોવાની વાતો ટોક ઑફ  ધ ટાઉન બની હતી. લોકો ના મુખે ઍક જ વાત ચર્ચાઈ રહી છે જો પોલીસ નિર્દોષ છે તો ખાનગી ફાર્મ હાઉસમાં મિટિંગ કરવાની જરૂર કેમ પડી? શું  આવેદન પત્ર માત્ર દબાણ ઊભું કરવા માટેનું હથિયાર હતું? કે પછી શું નોટોથી સમાધાન કરવાનો નવો કીમિયો અપનાવાઈ રહ્ના છે? ન્યાયની લડાઈ જ્યારે ઍરકન્ડિશન્ડ ફાર્મ હાઉસના બંધ બારણે પહોંચે,ત્યારે પીડિતને ન્યાય મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. આ સમગ્ર બાબતની પીડિતા ને કઈ જાણ છે કે પછી ઍના નામે  કોઈ મોટો ખેલ ખેલાઈ  રહયો હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.

આ ઘટનાને પગલે સમગ્ર પથંકમાં ઍક જ  વાત ચર્ચાઈ રહી છે કે આ મામલો પોલીસને બદનામ કરવાનો છે કે પછી ભીનું સંકેલવાનો પ્રયાસ? સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ કક્ષાઍથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ  દ્વારા તપાસ થવી જોઈઍ, જેથી ખાનગી મિટિંગો પાછળનું રહસ્ય ખુલે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય.