વાપીમાં વીજ સોલર પેનલ લગાવવા સર્વેની કામગીરી શરુ
- byDamanganga Times
- 14 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપી શહેર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ વિભાગની ટીમ દ્વારા સોલર પેનલ લગાવવા માટે ગ્રાહકોને જાગૃત કરી સર્વેની કામગીરી શરૂ કરાય છે જેમાં સરકાર દ્વારા સબસીડી અને ગ્રાહકોને બેંક લોન જેવી સુવિધા પણ આપવામાં આવશે. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં મેં માસ ઍટલે ઉર્જા બચાવવા તેમજ પર્યાવરણને નુકસાન ન થાય જે અંગે સોલર પેનલ લગાવી વીજળી ઉત્પન્ન કરી વીજબીલ થી મુક્ત બનો જેવી સ્કીમ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી વાપી પંથક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવે સૌર ઉર્જા પ્રત્યે લોકોનો રસ વધતો જોવા મળી રહ્ના છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવતાં વિવિધ ઍજન્સીઓ તથા વિભાગો દ્વારા ગામડાઓમાં સોલાર પેનલ લગાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં વાપી શહેર અને આસપાસના ગામોમાં વીજ વિભાગ દ્વારા નિમણૂક કરેલ ઍજન્સીની ટીમો દ્વારા ઘરેઘરે જઈ લોકો પાસે વીજ વપરાશ, મકાનની છતની સ્થિતિ તેમજ સોલાર પેનલ લગાવવાની શક્યતાઓ અંગે માહિતી ઍકત્રિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રહેણાંક મકાનો, શાળાઓ, ગ્રામ પંચાયત કચેરીઓ અને નાના ઉદ્યોગો માટે સોલાર સિસ્ટમ લગાવવાની યોજના પર ભાર મૂકવામાં આવી રહ્ના છે. આ અંગે વાપી ટાઉન પેટા કચેરીના ઈજનેર વી બી પટેલ ના જણાવ્યા મુજબ સોલાર ઉર્જા થકી વીજળીના બિલમાં ઘટાડો થશે તેમજ પર્યાવરણને પણ ફાયદો મળશે. સરકારની વિવિધ સહાય યોજનાઓ હેઠળ લોકોને સબસિડીનો લાભ પણ આપવામાં આવશે. સર્વે દરમિયાન લોકોને સોલાર સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે, કેટલો ખર્ચ થાય છે અને કેવી રીતે મળે છે તે અંગે માહિતી આપવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર થતી વીજ સમસ્યાને ધ્યાનમાં રાખીને ઘણા લોકો સોલાર પ્રોજેક્ટ પ્રત્યે રસ દાખવી રહ્ના છે. ખેડૂતો માટે સોલાર પંપ તેમજ ઘરેલુ ઉપયોગ માટે રૂફટોપ સોલાર યોજના લાભદાયી સાબિત થશે તેવી આશા પણ તેઓ વ્યક્ત કરી રહ્ના છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, જો યોગ્ય માર્ગદર્શન અને સહાય મળશે તો આગામી સમયમાં ગામડાઓમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધુ વધશે. હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે અને ત્યારબાદ યોગ્ય જગ્યાઓ પર સોલાર પેનલ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
