પૈખડ - ચીખલપાડામાં નિર્માણાધિન ચેકડેમના બાંધકામ સામે ગ્રામજનોમાં રોષ
- byDamanganga Times
- 13 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૨ ઃ ધરમપુર તાલુકાના પૈખેડ-ચીખલપાડા ગામ પાસે નાર નદી પર નિર્માણાધીન ચેકડેમના બાંધકામમાં હલકી ગુણવત્તાવાળી રેતી, કપચી અને સિમેન્ટનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, માકડબન જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ દ્વારા સ્થળ પર જઈ બાંધકામની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચેકડેમના કામમાં વપરાતા મટીરિયલની ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા હતાં.
ગ્રામજનોઍ સિંચાઈ વિભાગ સમક્ષ માંગણી કરી છે કે ચેકડેમનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયમિત રીતે ક્વોલિટી ટેસ્ટિંગ કરવામાં આવે અને તેના ટેસ્ટ રિપોર્ટ ગ્રામ પંચાયત ખાતે જાહેર કરવામાં આવે, જેથી બાંધકામની મજબૂતાઈ અને કામગીરીમાં પારદર્શકતા જળવાઈ રહે. ચેકડેમ જેવા મહત્વના જાહેર કામમાં ગુણવત્તા અંગે ઉઠેલા સવાલોને પગલે હવે સિંચાઈ વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્નાં.
