રોહીણા રેફરલ હોસ્પિ.માં પીવાના પાણીની સુવિધાનો અભાવ ઃ દર્દીઓ પરેશાન
- byDamanganga Times
- 13 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૧૨ ઃ પારડી તાલુકાની રોહીણા રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી દર્દીઓ માટે પીવાના પાણીની યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે.
હોસ્પિટલમાં મુકવામાં આવેલું પાણીનું કુલર લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં જિલ્લામાં ૪૧ ડિગ્રી સેન્ટિગ્રેટ સુધીની કાળઝાળ ગરમી પડી રહી છે. આવી પરિસ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ દાખલ દર્દીઓને પીવાનું ઠંડું પાણી ન મળતા મુશ્કેલી વધી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને દુરથી આવતા દર્દીઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે. સ્થાનિક આગેવાન વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવનારા દર્દીઓ માટે પીવાના પાણીની સુવિધા તાત્કાલિક શરૂ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. તેમણે વહીવટી તંત્રને પાણીનું કુલર વહેલી તકે કાર્યરત કરવા વિનંતી કરી હોવાનું જણાવ્યું હતું.
સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્ના છે. લોકોનું કહેવું છે કે આરોગ્ય કેન્દ્ર જેવી મહત્વપૂર્ણ જગ્યાઍ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ હોવી આવશ્યક છે. ગરમીના દિવસોમાં દર્દીઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
