ગણદેવીમાં સગીર પર પોલીસ દમનનો આક્ષેપ, મામલતદારને આવેદન
- byDamanganga Times
- 13 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૨ ઃ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ૧૭ વર્ષીય આદિવાસી સગીર બાળક પર પોલીસ દ્વારા કથિત રીતે કરવામાં આવેલા અમાનવીય અત્યાચાર અને દમનને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. આ મામલે મંગળવારે પીડિત સગીર અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓઍ ગણદેવી મામલતદારશ્રી દિપીકાબેન રોઝને આવેદન પત્ર પાઠવી જવાબદાર જે તે પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ગત ૦૨ મે ૨૦૨૬ના શનિવારની રાત્રે આશરે ૧૧ઃ૩૦ કલાકે ગણદેવી પોલીસ દ્વારા આદિવાસી સમાજના ઍક ૧૭ વર્ષીય નિર્દોષ સગીરને તેના મામાના ઘરેથી પૂછપરછના બહાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આક્ષેપ છે કે કોઈ રીઢા ગુનેગારની જેમ સગીર સાથે વર્તન કરવામાં આવ્યું હતું અને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ મારને કારણે સગીરની આંખ, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. સગીર વયના બાળક સાથે પૂછપરછ દરમિયાન કાયદાકીય નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી પોલીસે કાયદો હાથમાં લીધો હોવાનો આક્ષેપ કરાયો છે. સવારે જ્યારે પરિવારની મહિલાઓ સગીરને છોડાવવા પોલીસ સ્ટેશન ગઈ ત્યારે તેમની સાથે પણ જાતિવિષયક ગાળો અને બિભત્સ વર્તન કરવામાં આવ્યું હોવાનું લખાણમાં જણાવાયું છે.
સેવા, સુરક્ષા અને શાંતિનું સૂત્ર ધરાવતી પોલીસ જ જો ભક્ષક બને તો ન્યાય કોની પાસે માંગવો? તેવા સવાલો સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું છે કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક તપાસ કરી તેમને ફરજ મોકૂફ કરવામાં આવે, સગીર પર થયેલા હુમલા અંગે જ્ત્ય્ દાખલ કરી ઍટ્રોસિટી ઍક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે, પીડિત બાળકને થયેલી શારીરિક અને માનસિક ઈજાઓ માટે વળતર ચૂકવવામાં આવે.જો આ બાબતે સત્વરે ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવેતો આદિવાસી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની અને કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની ચીમકી આપવામાં આવી છે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.સમસ્ત આદિવાસી સમાજ,ગણદેવીના પ્રતિનિધિઓ અને પીડિત કિશોર પોતે ઉપસ્થિત ગણદેવી મામલતદાર કચેરીઍ પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતું. મામલતદારઍ આ આવેદન પત્ર સ્વીકારી યોગ્ય તપાસની ખાતરી આપી હતી.
